કેન્દ્રના લધુમતી બાબતોનો અખત્યાર સંભાળતા પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આગામી પાંચ વર્ષમાં પાંચ કરોડ મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સ્કોલરશિપ આપવાની ઘોષણા કરી હતી. મહત્વની બાબત એ છે કે આ શિષ્યવૃત્તિ – સ્કોલરશિપ મેળવનારી વ્યક્તિઓમાં અઢી કરોડ (50 ટકા) વિદ્યાર્થીનીઓ હશે. દરેક જણ એ યોજનાનો લાભ લઈ શકે એ માટે પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે. મુખ્તાર અબ્બાસ નકવીના જણાવ્યા અનુસાર, દરેક જરૂરતમંદ વિદ્યાર્થીને આ યોજનાનો ફાયદો મળે એનું ધ્યાન રાખવામાં આવશે. એમાં કોઈ અડચણ ન આવે તેની પૂરતી કાળજી રાખવામાં આવશે. નકવીએ જણાવ્યું હતું કે, 3-ઈ એટલે એજ્યુકેશન, એમ્પલોયમેન્ટ અને એમ્પાવરમેન્ટ અમારું ધ્યેય છે. મુસ્લિમ છોકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે પઢો- બઢો અભિયાન ચલાવવામાં આવશે. દેશના દૂર- દૂરના વિસ્તારોમાં જયાં મુસ્લિમ પરિવારોમાં છોકરીઓને સ્કૂલમાં ભણવા મોકલવામાં આવતી નથી, છોકરીઓને શિક્ષિત કરવાનો માતા- પિતાનો કોઈ આશય હોતો નથી એ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. 100થી વધુ મોબાઈલ વાનના માધ્યમથી શિક્ષણ- રોજગાર સાથે સંકળાયેલી સરકારી યોજનાઓની માહિતી લોકોને પૂરી પાડવામાં આવશે. સરકારની શૈક્ષણિક યોજનાઓ વિષે દેશનો તમામ યુવા -વર્ગ માહિતગાર થાય તે માટે સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવશે. પાંચ વરસનો રોડ- મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પાંચ વરસના સમયગાળામાં અંદાજે 25 લાખ નવ યુવકોને રોજગાર- કૌશલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાંચ વરસમાં 100થીવધુ હુન્નર – ઉદ્યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સ્વદેશમાં બનેલી ચીજ- વસ્તુઓનું ઓનલાઈન વેચાણ થઈ શકે એની પણ સુવિધા ઊભી કરવામાં આવશે. એની સાથે શીખો અને કમાવ, ગરીબ નવાઝ કૌશલ વિકાસ અને રોજગાર લક્ષી યોજના શરૂ કરવામાં આવશે.