ઈતિહાસમાં પ્રથમ વખત દેવ દિવાળીના દિવસે સુપ્રસિદ્ધ શામળાજી મંદિર બંધ

 

અરવલ્લીઃ કારતક સુદ પૂર્ણિમા એટલે દેવ દિવાળી છે. આ દિવસે લોકો મંદિરોમાં પૂજન-અર્ચન કરી દિવસની શરૂઆત કરતા હોય છે અને સારા કામ કરવાનો પ્રારંભ પણ કરવામાં આવતો હોય છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે અરવલ્લી જિલ્લામાં આવેલા યાત્રાધામ શામળાજીમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્તિક પૂર્ણિમાના દિવસે શામળાજી મંદિર ઈતિહાસમાં પ્રથમ વખત બંધ છે. 

કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ન ભેગા થાય તે માટે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિર ભક્તજનો માટે બંધ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવ્યો છે. આમ ઈતિહાસમાં પ્રથમ વખત આજના દિવસે શામળાજી મંદિર બંધ છે. 

કાર્તિક પૂર્ણિમાના દિવસે પ્રખ્યાત શામળાજી મંદિરમાં મેળો ભરાતો હોય છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચે છે. મેશ્વો ડેમની તળેટીમાં આવેલા પવિત્ર નાગધરાકુંડમાં સ્નાન કરી ભક્તો શામળીયાના દર્શન કરતા હોય છે. પરંતુ કોરોનાને લીધે આ વર્ષે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. શામળાજીમાં મંદિર અને નાગધરા કુંડ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દિવસે મંદિરમાં માત્ર પૂજારી અને મુખ્યાજીની હાજરીમાં દેવ દિવાળીનું પર્વ મનાવવામાં આવશે.