ઈટાલીમાં ૧૨ કલાકમાં ૨૯ ઈંચ વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહી, લોકો કારમાં ફસાયા

 

ઇટલીઃ ભારે વરસાદના લીધે ભારતમાં જ ખાનાખરાબી સર્જાય તેવું નથી. કુદરત નારાજ થાય ત્યારે વિકસીત યુરોપીયન દેશોની હાલત પણ કફોડી બને છે. ભારે વરસાદના લીધે અમેરિકા અને યુરોપના રસ્તાઓ પર નદી વહેવા લાગી છે. સૈંકડો લોકો પોતાની કાર અને ઘરમાં ફસાઈ ગયા છે. પૂરના પાણીના જોરના લીધે ઘણી ઈમારતોમાં તિરાડ પડી ગઈ છે. ઠેરઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ઇટાલીના જીનોઆ પ્રદેશમાં ૧૨ કલાકના સમયમાં ૨૯ ઇંચ વરસાદ ખાબકતા ભારે પૂર આવ્યું છે. આ વરસાદ એ યુરોપ ખંડનો અત્યાર સુધીનો નોંધાયેલો સૌથી ભારે વરસાદ છે.

જીનોઆ એ ઇટાલીના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલો પ્રદેશ છે અને ત્યાં ભારે વરસાદથી સૌથી ખરાબ અસર થઇ છે, જેના રોસિંગલાઇન વિસ્તારમાં તો આખા વર્ષના વરસાદનો ૮૨.૯ ટકા વરસાદ આટલા સમયમાં જ પડી ગયો છે. સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે અને સોમવારે જીનોઆમાં અતિભારે વરસાદ થયો હતો. ઉનાળામાં અહીં વિક્રમી ગરમી પડ્યા બાદ હવે આ વિસ્તાર અતિભારે વરસાદનો ભોગ બન્યો છે. 

જીનોઆના રોસિંગલાયન નામના એક નગરમાં તો એક જ દિવસમાં આખા વર્ષનો ૮૨.૯ ટકા વરસાદ પડી ગયો હતો. ફ્રાન્સ સાથેની સરહદ નજીક આવેલ લિગુરીયામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. દરિયાકાંઠે આવેલા સવોનાને પણ ભારે વરસાદ અને પૂરને કારણે વ્યાપક અસર થઇ હતી. સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવેલા વીડિયોઝ અને તસવીરોમાં જોઇ શકાય છે કે શેરીઓમાં અને રસ્તાઓ પર ધસમસતા પાણી વહી રહ્યા છે. કેટલીક ઇમારતોમાં તો તિરાડ પડેલી પણ દેખાય છે