ઈઝરાયેલને સ્વબચાવનો અધિકારઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન

 

વોશિંગ્ટનઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડેને ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે ટેલિફોન પર ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન બાયડેને પેલેસ્ટાઈન દ્વારા કરાયેલા રોકેટ હુમલાના વળતાં જવાબમાં ઈઝરાયેલના સ્વબચાવના અધિકારનું સમર્થન કર્યું હતું. એટલું જ નહીં તેમણે ઈઝરાયેલના નિર્દોષ નાગરિકોને બચાવવા તમામ શક્ય પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. 

બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત અંગે માહિતી આપતાં વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે આંતર-સામુદાયિક તણાવ દૂર કરવા તથા જેરૂસેલમમાં શાંતિ સ્થાપવાના ઈઝરાયેલ દ્વારા કરાયેલા પ્રયાસોને રાષ્ટ્રપતિ બાયડેને બિરદાવ્યા હતાં. ફોન કોલ દરમિયાન બાયડેને ઈઝરાયેલના સ્વરક્ષાના અધિકારનું સમર્થન કર્યું હતું. બંને નેતાઓએ હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલાંના સંદર્ભમાં ઈઝરાયેલની લશ્કરી તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી. 

બાયડેને ઈઝરાયેલ અને પેલેસટાઈન વચ્ચે યુદ્ધવિરામની તરફેણ કરી ઈજિપ્ત તથા અન્ય દેશો સાથે મંત્રણા કરવાનું આશ્વાસન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પેલેસ્ટાઈનના આતંકવાદી જૂથ હમાસે છેલ્લાં એક સપ્તાહમાં ઈઝરાયેલ પર આશરે ૩,૦૦૦થી વધુ રોકેટથી વાર કર્યો છે. બંને વચ્ચે ચાલી રહેલા આ સંઘર્ષમાં આશરે ૨૦૦થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પેસ્કીએ જણાવ્યું હતું કે બાયડેને ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન એમ બંને દેશોના વડાઓ સાથે સંઘર્ષના અંત માટે ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here