ઈઝરાયલનો ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે એક મોટા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. મંગળવારે મોડી રાતે ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ ખાતે ઈઝરાયલી સૈન્યના કથિત રૂપે બોમ્બમારામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા હોવાનો અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. ગાઝામાં સત્તારુઢ હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે હોસ્પિટલની ધ્વસ્ત ઈમારતોના કાટમાળ હેઠળ હજુ ઘણાં લોકો દટાયેલા હોવાની આશંકા છે. જોકે ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ આ હુમલો તેણે કર્યા હોવાના અહેવાલને નકારી રહી છે અને તેણે હોસ્પિટલ પર હુમલા માટે હમાસના રોકેટ મિસફાયર થયાનો દાવો કરીને આરોપોને નકારી કાઢ્યા છે.
આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે હમાસનો રોકેટ મિસફાયર થતાં હોસ્પિટલ નિશાન પર આવી ગઈ હતી અને તેના પગલે જ આટલી મોટી સંખ્યામાં મૃત્યુ થયા. તેમણે આરોપોને નકારતાં કહ્યું કે, અમે કોઈ હોસ્પિટલને નિશાન બનાવી નથી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અદનોમ ગેબ્રેસિયસે ગાઝામાં હોસ્પિટલ પર ઈઝરાયલના હવાઈ હુમલાની આકરી ઝાટકણી કાઢી હતી.
આ ઈઝરાયલ દ્વારા સૌથી મોટો હુમલો હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક અહેવાલોમાં સેંકડો લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે ઈજિપ્ત, તૂર્કી સહિત અનેક મુસ્લિમ દેશોએ આ હુમલાને વખોડ્યો હતો.