ઇલાવેનિલનું સિડનીમાં જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં વિશ્વ રેકોર્ડ પ્રદર્શન

વિશ્વમાં સૌથી વધુ બહુસાંસ્કૃતિક શહેર તરીકે જેની ગણતરી થાય છે એવા ઓસ્ટ્રેલિયાના સિડનીમાં અમદાવાદની ટીનેજર શૂટર ઇલાવેનિલે જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં વિશ્વ રેકોર્ડ પ્રદર્શન કરીને અમદાવાદ, ગુજરાત તેમ જ ભારતનું નામ રોશન કર્યું છે.
વિવિધ રમતો અને કલાસંસ્કૃતિના ધામ ગણાતા એવા સિડની શહેરમાં ‘આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં વિશ્વના નામાંકિત ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતમાંથી અમદાવાદની ઇલાવેનિલે પણ મહિલા વિભાગની 10 મીટર એર રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. અનેક મુશ્કેલીઓ અને થકાવટ પછી કુઆલા લમ્પુરથી ઇલાવેનિલ સિડની પહોંચી હતી. વિઝા પ્રોબ્લેમ થતાં કુઆલા લમ્પુર એરપોર્ટ પર સોળેક કલાક બેસી રહેવું પડ્યું હતું અને ત્યાર પછી આઠ-દસ કલાકની મુસાફરી કરીને સિડની પહોંચી ત્યારે વર્લ્ડ કપની ચેમ્પિયનશિપ શરૂ થઈ ગઈ હતી. બે દિવસ મોડી પહોંચી! ટ્રેનિંગ પિરિયડ જતો રહ્યો હતો! બાકી હતું તો ની-ઘૂંટણનો દુઃખાવો શરૂ થયો! આમ શારીરિક અને માનસિક યાતનાઓ વચ્ચે પણ ઇલાવેનિલ ઇવેન્ટ રમી. ત્રિરંગાને યાદ કરતાં ઇલાવેનિલે ફાઇનલમાં શ્રેષ્ઠ જ નહિ, પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં વિશ્વવિક્રમી સ્કોર પણ નોંધાવ્યો. ‘મન મેં હો વિશ્વાસ… હમ કામયાબ હોંગે હી’
વર્લ્ડ કપ – ગોલ્ડ મેડલ
ફાઇનલમાં રમત સાથે શારીરિક અને માનસિક સ્થિતિ પણ દાવ પર હતી. વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલમાં સર્વાધિક 249.8નો સ્કોર કર્યો હતો અને પ્રતિસ્પર્ધી ચાઇનીઝ તાઇપેઇની લિન યિંગ શિન તેમ જ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની યાંગ ઝેરુને હરાવીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઇલાવેનિલે 24મા શોટ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 10.7નો સ્કોર કર્યો હતો અને બન્ને પ્રતિસ્પર્ધીને પાછળ રાખી દીધી હતી. તેવી જ રીતે ટીમ ઇવેન્ટમાં પણ ઇલાવેનિલે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને બીજો ગોલ્ડ મેડલ ટીમ ઇવેન્ટમાં પણ મેળવ્યો હતો.
વર્લ્ડ યુનિવર્સિટી – બ્રોન્ઝ
ઇલાવેનિલ માટે આ 2018નું વર્ષ આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સાથે શરૂ થયું છે. આ જુનિયર વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ પહેલાં તે મલેશિયામાં કુઆલા લમ્પુરમાં યોજાયેલી ‘વર્લ્ડ યુનિવર્સિટી શૂટિંગ ચેમ્પિયનશિપ’ રમવા ગઈ હતી. તેણે ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઇલાવેનિલે વીમન્સ 10 મીટર એર રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ‘બ્રોન્ઝ મેડલ’ મેળવ્યો હતો. વર્લ્ડ યુનિવર્સિટી શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઇલાવેનિલે ગુજરાત યુનિવર્સિટીનું નામ રોશન કર્યું હતું.
પરફેક્ટ – 400
મજાની વાત તો એ છે કે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રા અને ગગન નારંગની રમતમાંથી પ્રેરણા લેતી ઇલાવેનિલે બે વખત વલ્ડ રેકોર્ડ સર્જ્યા છે! પ્રથમ તો ગયા વર્ષે ‘નેશનલ સિલેક્શન ટ્રાયલ્સ’માં 400માંથી 400નો સ્કોર કરીને ‘વર્લ્ડ રેકોર્ડ’ની બરોબરી કરી હતી. ‘પરફેક્ટ-400’ ગર્લનું બિરુદ મેળવ્યું હતું.
વર્લ્ડ રેકોર્ડ
દુનિયા ફરવાની અને તેમાં પણ ખાસ કરીને સ્વિટઝર્લેન્ડ અને યુરોપના સૌંદર્યને ટાર્ગેટની જેમ શૂટ કરવાની શોખીન ઇલાવેનિલ વર્લ્ડ ટુરના રોમાંચની જેમ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં રોમાંચ અનુભવે છે. ઇલાવેનિલે સિડનીમાંની ‘જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપ’ના ક્વોલિફાય રાઉન્ડમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. અહીં ઇલાવેનિલે 629.5નો વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરતાં નવો વર્લ્ડ રેકોર્ડ 631.4ના સ્કોરથી પોતાના નામે કર્યો હતો. અઢાર વર્ષની ટીનેજર ઢીંગલી જેવી યુવતીની નજરની કમાલ તો જુઓ!
ટીમ ઇવેન્ટ – ગોલ્ડ મેડલ
ઓસ્ટ્રેલિયામાં સિડનીમાંની ‘આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપ શૂટિંગ ચેમ્પિયનશિપ’માં ઇલાવેનિલે 10 મીટર એર રાઇફલની ટીમ ઇવેન્ટમાં પણ ભારતની શ્રેયા અગ્રવાલ તથા ઝઝના ખિટ્ટા સાથે શ્રેષ્ઠ દેખાવ કરતાં ટીમ ઇવેન્ટનો પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ટીમ ઇવેન્ટમાં પણ ચાઇનીઝ તાઇપેઇને સિલ્વર અને ચાઇનાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
અભ્યાસ અને રમત
ક્લાસિકલ ડાન્સ અને આલબમ ગીતો ગાવાની શોખીન ઇલાવેનિલ ઉર્ફે ‘ઇલા’ આમ તો એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટ ક્વીન બનવા ઇચ્છતી હતી! સાઉથની છે ને! પી. ટી. ઉષાની જેમ તે સ્પ્રિન્ટ ક્વીન બનવાનાં સ્વપ્ન જોતી હતી. મેરેથોન દોડ પણ ગમે. ઇલાવેનિલનો જન્મ ભલે ફ્રેન્ચ સંસ્કૃતિ ધરાવતા પોંડિચેરીમાં વીસમી સદીને ‘ગુડ બાય’ કરતાં થયો, પણ ઉછેર અને અભ્યાસ તો ગરવી ગુર્જર ભૂમિ પર જ થયો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં મણિનગરની સેન્ટ બ્લાઝ સ્કૂલમાં લીધું. આ સાથે એથ્લેટિક્સમાં સ્પ્રિન્ટ અને મેરેથોન દોડ જેવી રમતોમાં ભાગ લીધો હતો. સ્પ્રિન્ટમાં તેની દોડ ખૂબ સારી હતી. આ પછી એસ.એસ.સી. અને એચ.એસ.સી.નો અભ્યાસ બોપલમાં આવેલા ગ્લોબલ મિશન – સંસ્કારધામમાં કર્યો હતો. આ સાથે મેરેથોન દોડમાં પણ તે ઝળહળી રહી હતી. હાલ તે ખાનપુરમાં આવેલી ભવન્સ આર્ટ્સ કોલેજમાં ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
સ્પોર્ટસ ફેમિલી
શૂટિંગમાં ‘ખેલ પ્રતિભા’ પુરસ્કાર મેળવનાર ઇલાવેનિલે એથ્લેટિક્સમાંથી શૂટિંગ 13 વર્ષની એટલે કે ટીન એજના પ્રારંભે કુતૂહલવશ શરૂ કર્યું હતું. ઇલા તેના સાયન્ટિસ્ટ ડો. પપ્પા આર. વલારિવનની ખૂબ જ વહાલી દીકરી. પિગમેન્ટ્સની ખૂબ જાણીતી કંપનીમાં પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત એવા ડો. આર. વલારિવનના એક સ્ટુડન્ટ્સની દીકરી રિયા શાહ ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શૂટિંગની સ્પોર્ટસ શીખવાડે. એમણે એક વાર ઇલાવેનિલને શૂટિંગ કરવા કહ્યું! હવે ઇલાને નાનપણથી ફુગ્ગાઓ શૂટ કરવા ખૂબ ગમતા. ફુગ્ગા શૂટ કરે અને ફુગ્ગા ફૂટે એટલે રાજી રાજી થઈ જતી! આ ફુગ્ગાઓ શૂટ કરવાના રમૂજી શોખે તેને રિયા દ્વારા આપવામાં આવેલું આમંત્રણ ગમ્યું અને તેને 13 વર્ષની વયે પ્રથમ વાર શૂટિંગ માટે એર રાઇફલ પકડી તે પકડી! પ્રથમ દિવસે જ અદ્ભુત પ્રદર્શન કર્યું. રિયા તો ખુશ થઈ ગઈ. તે ટ્રેઇનર હતી ને – ખબર પડી ગઈ કે ઇલામાં વેધક નજર અને હાથમાં તાકાત છે. રિયાના કહેવાથી અને પપ્પા – મમ્મીના પ્રોત્સાહનથી શૂટિંગની ટ્રેનિંગ શરૂ કરી. ઇલાની મમ્મી ડો. કે. સરોજા પણ સાયન્સમાં એમ.ફિલ. અને પીએચ.ડી. છે. ડો. કે. સરોજાએ તેમના દામ્પત્ય બાગમાં ઇલાવેનિલ અને વી. એરાઇવાન નામે બે પુષ્પોને ખીલવ્યાં અને મહેકતાં કર્યાં. ઇલાવેનિલનો મોટો ભાઈ વી. એરાઇવાન હોકી અને ફૂટબોલનો ખેલાડી છે. સાયન્સ ગ્રેજ્યુએટ એરાઇવાન હાલ આર્મીમાં કેપ્ટન છે. આ બન્ને ભાઈ-બહેનમાં સ્પોર્ટ્સનું સિંચન પપ્પા-મમ્મી બન્ને બેડમિન્ટનનાં સારા ખેલાડી હોવાથી તેમણે કર્યું હતું. પપ્પા તો વોલીબોલના પણ સારા ખેલાડી હતા. તેમને વાંચન, સંગીત અને રમત ખૂબ ગમે એટલે બન્ને બાળકો ઇલાવેનિલ અને એરાઇવાનના જીવનમાં આ ગુણ ઊતરી આવ્યા.
‘ડુ ઓર ડાય’ને જીવનમંત્ર ગણતી ઇલાવેનિલે રિયા શાહ પાસે છ-સાત મહિના શૂટિંગની ટ્રેનિંગ લીધી. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તેણે રમતમાં જ કેરિયર બનાવવા અમદાવાદ રાઇફલ ક્લબ જોઇન કરી. રિયા શાહના કહેવા પ્રમાણે 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં જ ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત કર્યું. એકાદ વર્ષ પછી બોપલ સંસ્કારધામમાં આવેલા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ડીએલએલએસ જોઇન કર્યું, જ્યાં નેહા ચવાણના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ ખૂબ જ પ્રગતિ કરી. ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ પર 2014થી જ મેડલ શૂટ કરવા લાગી. સૌપ્રથમ ગોલ્ડ મેડલ 2015માં રાજ્યકક્ષાએ મળ્યો. 2016માં પુણેમાં યોજાયેલી 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ટીમ ઇવેન્ટમાં સૌપ્રથમ વાર બ્રોન્ઝ મેડલ મળ્યો. 2017માં સૌપ્રથમ વાર નેશનલ લેવલ પર ગોલ્ડ મેડલ ત્રિવેન્દ્રમમાં યોજાયેલી 60મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મળ્યો. એ જ વર્ષે સૌપ્રથમ વાર જર્મનીના શૂલમાં વર્લ્ડ કપ શૂટિંગમાં પણ ભાગ લીધો, જેમાં 28મા ક્રમે રહી. 61મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિનિયર કેટેગરીમાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ તેમ જ જુનિયર કેટેગરીમાં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરવા ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ ગગન નારંગની એકેડેમી ‘ગન ફોર ગ્લોરી’માં ટ્રેનિંગ શરૂ કરી અને પરિણામ સ્વરૂપ 2018માં બીજો વર્લ્ડ કપ સિડનીમાં રમતાં ગોલ્ડ મેડલ મેળવ્યો. વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ મેડલ મેળવ્યો. આમ સફળતાની સફર શરૂ થઈ. હવે ઇન્ડોનેશિયામાં જાકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે તૈયારી કરી રહી છે. વિદેશમાં તે એન્ટોન બેલાક પાસે તાલીમ લઈ રહી છે.
વરસાદમાં પલળવાની અને વરસાદી માહોલને માણવાની શોખીન ઇલાવેનિલનું લાઇફ પ્રોફેશનલ ટાર્ગેટ આઇએએસ બનવાનું છે. અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલ, ચિમાઈનાં ગીતો અને રાહત ફતેહ અલી ખાનના કંઠે ગઝલો સાંભળવાની શોખીન ઇલાવેનિલ શૂટિંગમાં ખૂબ જ કોન્ફિડન્સ, વિલપાવર, પેશન્સ, એક્યુરન્સ અને સ્ટેમિના ધરાવે છે. તે કહે છે, રમત અને જીવનમાં ટાર્ગેટ શૂટ કરવા આ ગુણો હોવા ખૂબ જરૂરી છે. ખૂબ જ હસમુખી, મિલનસાર અને કો-ઓપરેટિવ નેચર ધરાવતી ઇલાવેનિલ ‘વસંતઋતુ’માં ખીલેલું મહેકતું પુષ્પ છે.

લેખક રમતગમતના સમીક્ષક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here