ઇરાક, સિરિયામાં ઈરાન સમર્થિત ત્રાસવાદીઓ પર અમેરિકાના હુમલા

બગદાદઃ ઇરાક અને સિરિયામાં ભરાયેલા ઈરાન સમર્થિત ત્રાસવાદીઓ પર અમેરિકાએ હુમલાઓ કરતાં ૨૫નાં મોત થયાં છે. એક ઈરાન સમર્થિત ઉગ્રવાદીએ જ આ માહિતી આપી હતી અને આનો બદલો લેવાની અમેરિકાને ચેતવણી આપી હતી.
અમેરિકાના સંરક્ષણમંત્રી માર્ક એસ્પરે જણાવ્યું હતું કે ઇરાકમાં ગયા અઠવાડિયે એક અમેરિકન કોન્ટ્રેક્ટરનું મૃત્યુ નિપજાવનાર રોકેટ હુમલાનો જેના પર આરોપ છે એ ઈરાનનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સોમવારે ઈરાન સમર્થિત એક ઉગ્રવાદીએ પણ આ હુમલો થયો હોવાની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે એમાં મૃત્યુઆંક વધીને ૨૫ થયો છે.
અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે આ હુમલાઓ એ સંદેશ મોકલે છે કે અમેરિકા તેના નાગરિકોના જીવનને મુશ્કેલીમાં મૂકે તેવા ઈરાનનાં પગલાં ચલાવી લેશે નહિ. અમેરિકી લશ્કરે જણાવ્યું હતું કે ઇરાક અને સિરિયામાં હિઝબુલ્લાહ બ્રિગેડનાં પાંચ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સંગઠન ઈરાનનાં વિવિધ ઉગ્રવાદી સંગઠનોના છત્રરૂપ સંગઠન છે અને એમાંના મોટા ભાગનાંને ઈરાનની સરકારનો ટેકો છે.
અમેરિકાના આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૫૧ ઉગ્રવાદી ઇજાગ્રસ્ત થયા છે અને એમાંથી કેટલાકની હાલત અતિગંભીર હોવાનું જણાવાયું છે. આ સંગઠને આ હુમલા બદલ અમેરિકા સામે બદલો લેવાની ચેતવણી આપી છે અને એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકા તથા તેના સાથીદારો સાથેની અમારી લડાઈમાં હવે તમામ શક્યતાઓ ખુલ્લી છે. સંગઠને જણાવ્યું હતું કે જૂથના કમાન્ડરો એ નક્કી કરશે કે અમેરિકા સામે કઈ રીતે બદલો લેવો. ઈરાનના વિદેશમંત્રાલયે આ હુમલાને વખોડી નાખ્યો હતો.