ઇપ્કો પરિવારનું માતબર દાનઃ દસ કરોડનું ઓડિટોરિયમ, ત્રણ કરોડનું બિલ્ડિંગ

આણંદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરતાં અને ઇપ્કો પરિવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી રૂ. ત્રણ કરોડના ખર્ચે નિર્મિત ઇન્દુકાકા ઇપ્કોવાળા સેન્ટર ફોર ઇન્ટર-ડિસિપ્લિનરી સ્ટડીઝ ઇન સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને દેવાંગભાઈ ઇપ્કોવાળા સેન્ટર ફોર ઇન્ટર ડિસિપ્લિનરી સ્ટડીઝ ઇન હ્યુમેનિટીઝ એન્ડ સાયન્સિસનું લોકાર્પણ તેમ જ ઇપ્કો પરિવાર દ્વારા રૂ. પાંચ કરોડના સહયોગ તથા રૂ. પાંચ કરોડના સરકારી અનુદાન સહિત રૂ. 10 કરોડના ખર્ચે નિર્મિત ઇપ્કોવાળા ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દુનિયામાં જે નવાં ઇનોવેશન્સ થઈ રહ્યાં છે તેમાં ગુજરાતનો યુવાન પાછળ ન રહી જાય, તેને ટેક્નોલોજી ઇમ્પોર્ટ ન કરવી પડે તેવી સમયાનુકૂલ વ્યવસ્થા વિકસાવવી એ સમયની માગ છે અને યુનિવર્સિટીઓ તે માટે સજ્જ બને. ગુજરાતમાં અગાઉ માત્ર 11 યુનિવર્સિટીઓ હતી, પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદષ્ટિથી આજે 60 યુનિવર્સિટીઓ છે. અખંડ ભારતના શિલ્પી સરદારસાહેબ, ભાઈકાકા અને એચ. એમ. પટેલ જેવી મહાન વિભૂતિઓએ આ વિસ્તારના લોકોના સામાજિક-શૈક્ષણિક અને આર્થિક કલ્યાણ માટે આદરેલા શિક્ષણ-સેવાના યજ્ઞના યોગદાન બદલ તેમને યાદ કરી વંદન કર્યા હતા.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ઇપ્કોવાળા ફાઉન્ડેશનના મોભી દેવાંગભાઈ પટેલ તથા ઇપ્કો પરિવારનો શૈક્ષણિક પ્રકલ્પોમાં આર્થિક સહયોગ બદલ ઋણ સ્વીકાર કરતાં જણાવ્યું કે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિર્માણ થયેલા શૈક્ષણિક પ્રકલ્પો સમગ્ર દેશમાં લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ખેડા-આણંદ જિલ્લાની 148 કોલેજોનું જોડાણ કરવામાં આવ્યું છે.
ઇપ્કોવાળા ફાઉન્ડેશનના મોભી અને દાતા દેવાંગભાઈ પટેલે જણાવ્યું કે, ઇપ્કોવાળા પરિવાર સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી ફરજ નિભાવી રહ્યો છે. સરદારસાહેબના નામ સાથે જોડાયેલી સરદાર પટેલ યુનિવર્સિટી, ચારુતર વિદ્યામંડળ તેમ જ ચારુતર આરોગ્ય મંડળ પારિવારિક ભાવનાથી પરંપરાગત રીતે સમાજસેવાનું ઉમદા કામ કરી રહ્યા છે. ઇપ્કોવાળા પરિવાર દ્વારા રૂપિયા એક કરોડનો ચેક સરદાર પટેલ યુનિવર્સિટીને અર્પણ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. શિરીષ કુલકર્ણીએ સૌનો આવકાર કર્યો હતો.
આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય મયૂર રાવલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, ચારુતર વિદ્યામંડળના હોદ્દેદારો, સિન્ડિકેટ-સેનેટ સભ્યો, ઇપ્કો પરિવારનાં અનિતાબહેન દેવાંગભાઈ પટેલ સહિત પરિવારના સદસ્યો, કલેક્ટર દિલીપ રાણા, શિક્ષણજગતના અગ્રણીઓ, વિવિધ ફેકલ્ટીના ડીન-પ્રધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.