ઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટેજ દ્વારા મધર્સ ડેની ધામધૂમથી ઉજવણી


લોસ એન્જલસઃ તાજેતરમાં ઇન્ડો-અમેરિકન સિનિયર હેરિટજ ના સભ્યો મધરર્સ ડે ની ઉજવણી માટે પાયોનિયર બુલોવર્ડમાં આવેલા સનાતન ધર્મ ટેમ્પલના હોલમાં ભેગા થયા હતા. કાર્યક્રમની શરૂઆત ‘જયભારતના’ ફૂડથી થઈ હતી. ત્યાર બાદ સૌ હોલમાં ગોઠવાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વાઇસ પ્રેસિડન્ટ જગદીશ પુરોહિતે સૌને આવકાર આપ્યો હતો. ત્યાર બાદ પ્રેસિડન્ટ જિતેન પટેલે કાર્યક્રમની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કલાકારો ડો. ધીરેન બુચ, જલ્પા બુચ, જૂહી બુચ અને રોહન બુચ સદાબહાર ફિલ્મી ગીતો પીરસવાનાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં ડો ધીરેન બુચે ‘ઝીણા ઝીણા ઝીનારે ઉડા ગુલાલ માઈ તારી ચૂંનરિયા લહેરાય’ ગાઈને સૌનાં મન જીતી લીધાં. ત્યાર બાદ એક પછી એક જૂની ફિલ્મોનાં સદાબહાર ગીતો રજૂ કરીને હાજર સૌની વાહ વાહ મેળવી લીધી હતી.
એમની સાથે યુગલ ગીતમાં તેમને જલ્પા બુચ અને જૂહી બુચે સુંદર સહયોગ આપ્યો હતો તેમ જ રોહન બુચે સેક્સોફોન ઉપર એક સુંદર ગીત રજૂ કર્યું હતું. અને તેથી ઉત્સાહમાં આવેલાં બહેનો તથા ભાઈઓ ઊભાં થઈને ડાન્સમાં પણ જોડાયાં હતાં. આ કાર્યક્રમમાં 75 વર્ષથી ઉપરનાં માતાઓનું ફૂલગુચ્છથી બહુમાન કરવામાં આવેલું તેમ જ એક 99 વર્ષનાં વૃદ્ધાને શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરવિંદભાઈ જોશી (ભૂતપૂર્વ રેડિયો કલાકાર), જાણીતા ઉદ્યોગપતિ સુરુ માણેક, ગણપત યુનિવર્સિટીના ગણપતભાઈ પટેલ તથા રામજીભાઈ પટેલ, ઉકાભાઈ સોલંકી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અનુસંધાનમાં નડિયાદ પાસેના ‘પીજ’ ગામના સુરેશ પટેલે તેમની માતાએ એમને લખેલ પત્રોમાંથી એક હ્રદયસ્પર્શી પત્ર રજૂ કરેલો, જે સાંભળીને સૌ ગદ્ગદ થઈ ગયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રેસિડન્ટ જિતેન પટેલ, વાઇસ પ્રેસિડન્ટ જગદીશ પુરોહિત, સેક્રેટરી રસિક પટેલ, વાઇસ સેક્રેટરી મીતા રાંદેરીયા, અશોક કડકિયા, ચીમનભાઈ અડિયેલ, નગિનભાઈ ટેલર, ડો. ગુણવંત મહેતા, અનિલ દેસાઈ, વિલાસ જાધવ, પંકજ ચોકસી વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.