ન્યુ યોર્કઃ ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કના ઉપક્રમે 28મી જાન્યુઆરીએ આઇ ટીવીનો રસપ્રદ કાર્યક્રમ હિલ સાઇડ ઉપર આવેલા હનુમાન મંદિરમાં યોજાયો હતો.
પ્રમુખ મુકુંદભાઈ મહેતાએ આવકાર આપતાં જણાવ્યું કે અત્યાર સુધી આપણે મેડિકલ, સ્વાસ્થ્ય, કાયદાની માહિતી, કોમ્પ્યુટર વગેરે વિષયો પર ચર્ચાવિચારણા કરી કાર્યક્રમો કર્યા, પરંતુ આ કાર્યક્રમનો વિષય તદ્દન નવો છે, જેમાં જૂની પેઢી (સિનિયર) અને નવી પેઢી (જુનિયર) વચ્ચે જે અંતર છે તેને ઓછું કરી એક સેતુ બનાવી બન્ને પેઢી વચ્ચે સુંદર વિચારવિનિમય કઈ રીતે થઈ શકે.
આ કાર્યક્રમ આઇટીવીના પ્રોગ્રામ ડિરેક્ટર અશોકભાઈ વ્યાસે બનાવ્યો હતો. તેમનો વિષય હતો ‘જનરેશન ગેપ અને ટેક્નોલોજી’ અને બીજો વિષય ‘આદરભાવ કોને આપવો. ઉંમરને કે જ્ઞાનને?’ બે વિભાગમાં વહેંચાયેલા આ બન્ને કાર્યક્રમના પ્રથમ ભાગમાં જૂની પેઢીમાંથી ડો. હેમાંશુ પંડ્યા અને મુકુંદભાઈ મહેતા તેમ જ નવી પેઢીમાંથી નીલ ઝવેરી (ફાઇનાન્સ) અને રજની રઘુનાથ (ઓફિસ મેનેજર)ની પસંદગી કરી. મધ્યાંતર બાદ બીજા વિભાગમાં જૂની પેઢીમાંથી ડો. નીલેશ સોની અને ગોપી ઉદ્દેશી તેમ જ નવી પેઢીમાંથી શમીક શાહ અને સપના વ્યાસની પસંદગી કરી.
ચર્ચા દરમિયાન અશોકભાઈએ આગ્રહપૂર્વક કહ્યું કે બન્ને પેઢી એકબીજાને સમજી શકે તે માટે એક સુંદર સેતુ બાંધવાની જરૂર છે, જેથી બન્ને પેઢી વચ્ચે અત્યારે જે અંતર છે તે ઓછું થઈ શકે અને બન્ને પેઢી એકબીજાની નજીક આવી શકે. ઇન્ડો અમેરિકન સેન્ટરને આ વિચાર સાથે સહમત થઈ સહકાર આપવા બદલ અશોકભાઈએ સૌનાં વખાણ કર્યાં. પ્રમુખે પણ ખાતરી આપી કે આ કાર્યક્રમ જોયા બાદ આવા કાર્યક્રમો વારંવાર થાય તેવી સૌની ઇચ્છા અને આગ્રહ થશે.
બે કલાકના આઇટીવીના રેકોર્ડિંગ કાર્યક્રમ વખતે અશોકભાઈએ બન્ને ટીમને વિષયને લગતા ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર સવાલો પૂછ્યા અને બન્ને પેઢી વચ્ચેનું અંતર કેવી રીતે દૂર કરી શકાય તે માટે તેઓના વિચાર જાણ્યા. પેઢીના અંતરમાં અદ્યતન ટેક્નોલોજી, જેવી કે આઇફોન, ઇ-મેઇલ, ટેક્સિંગ, ફેસબુક, સામાજિક મિડિયા વગેરે કેવી રીતે ભાગ ભજવે છે તેની ચર્ચા કરી.
ચર્ચા દરમિયાન જાણવા મળ્યું કે નવી પેઢી આ અદ્યતન ટેક્નોલોજીને બહુ સારી રીતે તરત જ સમજી શકે છે અને દૈનિક જીવનમાં તેનો ઉપયોગ પણ વધુ ને વધુ કરે છે. જ્યારે જૂની પેઢી માટે આ થોડું મુશ્કેલ છે. તેઓ આ ટેક્નોલોજી નવી પેઢીના જેટલી તરત સમજી શકતા નથી અને તેનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં જ કરે છે. આના કારણે બે પેઢી વચ્ચે અંતર વધવાની શક્યતા પણ રહેલી છે. હવે પ્રશ્ન એ છે કે આ ટેક્નોલોજી બન્ને પેઢી વચ્ચે અંતર વધારશે કે ઘટાડશે? જો જૂની પેઢી થોડી સરળતા રાખે, શાંતિથી નવી પેઢીના વિચારોને સમજે, વિચારે અને સ્વીકારવાની તૈયારી રાખી નવી પેઢી સાથે હળીમળીને રહે તો આ અંતર ચોક્કસપણે ઘટી શકે તેમ છે.
તેમ છતાં નવી પેઢીએ જ્ઞાનની વિશાળતા, સમજણ અને વડીલો પ્રત્યેનો આદર સત્કારભાવ રાખવાનું પણ જરૂરી છે. ભારતીય રીત-રિવાજોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. નવી પેઢી અદ્યતન ટેક્નોલોજીથી એક કરતાં વધુ કામ એકસાથે કરી શકે છે. જ્યારે જૂની પેઢી માટે એ તેટલું શક્ય નથી. ત્યાર બાદ બન્ને ટીમે નવી પેઢી અને જૂની પેઢીએ કુટુંબની રહેણીકરણી, કુટુંબના પ્રસંગો, કુટુંબનું બંધારણ, ભારતીય અને અમેરિકન સંસ્કૃતિની વિષમતા તેમ જ અદ્યતન ટેક્નોલોજીની અસર વગેરે વિષયો પર પોતાના અનુભવ અને વિચારો મુક્તપણે રજૂ કર્યા.
અશોકભાઈની સરળતા અને મધુર શૈલીમાં વાત કરવાને કારણે વિષયને લગતા સુંદર પ્રશ્નો પૂછવાના કારણે બન્ને ટીમ અને પ્રેક્ષકોને સારી રીતે જકડી રાખ્યા હતા. સૌએ શાંતિપૂર્વક કાર્યક્રમને માણ્યો. અશોકભાઈએ સૌનો આભાર માન્યો અને આઇટીવીની પ્રોડક્શન ટીમને રવિવારના દિવસે આટલું સુંદર કામ કરી સહકાર આપવા બદલ તેમને પણ બિરદાવ્યા હતા. જ્યારે આઇટીવી પર આ કાર્યક્રમની રજૂઆત થશે ત્યારે આ કાર્યક્રમ સર્વે કુટુંબ અને સમાજને નવી પેઢી અને જૂની પેઢીને સાંકળનારો બનશે તેમ જ આ ચર્ચા-વિચારણા પણ સૌને ગમશે અને ઉપયોગી નીવડશે.
અશોકભાઈનાં ધર્મપત્ની શીલાબહેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હૃદયપૂર્વક સહકાર આપ્યો હતો. પ્રમુખ અશોકભાઈએ શીલાબહેનનો પણ આભાર વ્યક્ત કર્યો. નજીકના ભવિષ્યમાં આ કાર્યક્રમની રજૂઆત આઇટીવીમાં કરવામાં આવશે, જે અંગેની માહિતી અશોકભાઈ આપશે.
આઇટીવીની ટીમને ટેક્નિકલ બાબતમાં મદદ કરવા માટે પ્રમુખે એક્ઝિક્યુટિવ કમિટીના મેમ્બર જતીન ધારિયાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ આગામી વેલેન્ટાઇન્સ ડેના પ્રોગ્રામની માહિતી આપવામાં આવી હતી.
અંતમાં સુંદર ભોજનને ન્યાય આપી સૌ આનંદ વિભોર સાથે વિખરાયા.