હડસનઃ ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન્સ એસોસિયેશન ઓફ હડસન કાઉન્ટી, જર્સી સિટીના ઉપક્રમે તાજેતરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન વાસણાવાળા ડો. દિલીપ શેઠના મુખ્ય યજમાનપદે કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠે બિરાજમાન મુંબઈના જાણીતા ભાગવતાચાર્ય અને જ્યોતિષી કલ્પેશભાઈ જાની બિરાજમાન હતા. પોથીયાત્રાથી કથાની શરૂઆત થઈ હતી. સમગ્ર કથા દરમિયાન નરસિંહ અવતાર, રામજન્મ, કૃષ્ણજન્મ, રાસલીલા ઉત્સવ, સુદામાચરિત વગેરેનું કથાકારે સૌને રસપાન કરાવ્યું હતું.
કથાવિરામની ક્ષણે સંસ્થાના પ્રમુખ ડો. હસમુખ પટેલે જણાવ્યું કે આજે અહીં ભક્તિની વસંત બેઠી છે. વન મહેકે છે. અસ્તિત્વનો અ-પૂર્વ ઉત્સવ મંડાયો છે. ભક્તિનો પ્રકાશ સૌને અજવાળે છે. અહીં જ ગોકુળ ને અહીં જ વૃંદાવન છે, કૃષ્ણ આપણામાં જ છે ને સ્વયં રાધા. સંસ્થા વતી કલ્પેશભાઈ જાનીનું સન્માન કરતાં હંસાબહેન કોઠારી તરફથી વસ્ત્રાર્પણ, ડો. શૂન્યમ તરફથી શાલ, પુષ્પગુચ્છ અને ડો. શેઠના હસ્તે એક હજાર ડોલર રોકડા અર્પણ કરવામાં આવ્યા હતા. સન્માનના પ્રતિભાવમાં કલ્પેશભાઈએ આભાર અને આનંદ વ્યક્ત કર્યો હતો. કથાનું પૂર્ણ પાન કરનાર બહેનોને લહાણી અપાઈ હતી.
રાજભોગના અરવિંદભાઆ પટેલ તરફથી સૌને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં જસ્મિતા શાહ, પુષ્પા પટેલ, નલિની મહેતા, માલતી પરીખ, લીના પટેલ, લીના શાહ, કિશોર ચાવડા, સુધીર પનાગર અને અન્ય ભાઈ-બહેનોએ સેવા આપી હતી. વડીલ મંત્રી નટુભાઈનું માર્ગદર્શન મળ્યું હતું.