ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા વાર્ષિક પિકનિક-જન્મદિનની ઉજવણી

શિકાગોઃ સામુદાયિક સંગઠન ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા તાજેતરમાં બુસ વુડ્સમાં વાર્ષિક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના 325થી વધારે સભ્યોએ ભાગ લીધો હતો તેમ સંસ્થાની અખબારી યાદી જણાવે છે. દરેક આમંત્રિતોને મણિલાલ પટેલ, ચીમનલાલ પટેલ, ચંદ્રકાન્ત પટેલ, ભીખુ પટેલ, નટવરલાલ પટેલ, દિલીપ પટેલ દ્વારા આવકારવામાં આવ્યા હતા. સૌ સભ્યોને  નાસ્તો આપવામાં આવ્યો હતો.
શરૂઆતમાં પ્રાર્થના અને હનુમાન ચાલીસા કરવામાં આવી હતી, જેમાં ભૂપેન્દ્ર સુથાર, હેમા શાસ્ત્રી, સંદીપ શેઠ, મયૂરા દેસાઈ અને નયના દ્વિવેદીએ ભાગ લીધો હતો. ટ્રેઝરર સી. વી. દેસાઈએ જૂનના એકાઉન્ટની માહિતી આપી હતી અને દાતાઓનાં નામો જાહેર કર્યાં હતાં.
આ પછી જુલાઈ માસમાં જે સભ્યોનો જન્મદિન આવતો હોય તેમને મુખ્ય મહેમાન ડાહ્યાભાઈ પ્રજાપતિ દ્વારા ગ્રીટિંગ કાર્ડ સાથે શુભેચ્છા આપવામાં આવી હતી. બાર બાર દિન યૈ આયે બાર બાર દિન યે ગાયે, તુમ જીયો હજારો સાલ, યે મેરી હે આરજુ ગાવામાં આવ્યું હતું.
સામુદાયિક અને ધાર્મિક કાર્યક્રમો માટે જેમને સ્વૈચ્છિક સેવા આપવી હોય તે માટે સભ્યોને પૂછવામાં આવતા અનેક સભ્યોએ તૈયારી બતાવી હતી. વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ દાતાઓનો અને કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો હતો.