ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા જન્મદિન, ફાધર્સ ડેની ઉજવણી કરાઈ

શિકાગોઃ ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા તાજેતરમાં નવમી જૂને ઇલિનોઇસના બેન્સનવિલેમાં તેના સભ્યોના જન્મદિન અને ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય સભાનું સંચાલન ચંદ્રકાન્ત પટેલે કર્યું હતું, જેમાં લગભગ ૨૨૫ સભ્યો હાજર રહ્યા હતા.
ભૂપેન્દ્ર સુથાર, હેમા શાસ્ત્રી, નલિની શાહ, પન્ના શાહ, નિહારિકા દેસાઈ દ્વારા ભજનો રજૂ થયાં હતાં. સુથાર અને શાસ્ત્રીએ પ્રાર્થના કરી હતી. આ પછી હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું. મે માસના એકાઉન્ટની માહિતી સી. વી. દેસાઈએ આપી હતી.
ચંદ્રકાન્ત પટેલે પોતાના પ્રવચનમાં ફાધર્સ ડેની માહિતી આપી હતી. કાંતિભાઈ પટેલ અને બિપિન શાહે કેટલાક પિતાજીને આવકાર્યા હતા અને પુષ્પગુચ્છથી સન્માનિત કર્યા હતા.
અરવિંદ કોટક અને સુથારે જૂન માસમાં જેમના બર્થડે આવતા હોય તેવા સિનિયરોને બોલાવ્યા હતા અને તેમને મહેમાન લલિતચંદ્ર પટેલના હસ્તે ગ્રીટિંગ કાર્ડ આપવામાં આવ્યો હતો. ગ્રુપ તસવીર આ પ્રસંગે લેવામાં આવી હતી. આઇએસસીના સેક્રેટરી હીરાભાઈ પટેલે ત્રીજી નવેમ્બરે માનવસેવા મંદિર લક્ષ્મી હોલમાં આયોજિત વાર્ષિક મનોરંજન કાર્યક્રમની માહિતી આપી હતી. પ્રેસિડન્ટ નરસિંહ પટેલે ૧૪મી જુલાઈએ બુસી વુડ્સ ગ્રોવ નંબર ૩૨માં આયોજિત વાર્ષિક પિકનિકની વિગત આપી હતી. તેમણે સભ્યોનો સહયોગ બદલ આભાર માન્યો હતો.
ભારતીય સિનિયર સિટિઝન્સ ઓફ શિકાગોના પ્રેસિડન્ટ હરિ પટેલને મનુ શાહ દ્વારા આવકારવામાં આવ્યા હતા. હરિભાઈ પટેલે સભ્યોને ૨૪મી જૂને મિડોઝ ક્લબ રોલિંગ મિડોઝમાં આયોજિત ‘જય શ્રીકૃષ્ણ’ કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા હતા.
હરિ પટેલે ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ૧૨ સિનિયરો રણજિત ભરૂચા, નલિની રાવલ, સંદીપ શેઠ, નલિની શાહ, અરવિંદ પટેલ, પુષ્પા પરીખ, હીરા પટેલ, અંજુ દેસાઈ, નિહારિકા દેસાઈ, દુર્ગેશ શાહ, રોહિણી દેખતાવાલા, રાજુ શાહ, ઉષા સોલંકીએ મનોરંજક પરફોર્મન્સ રજૂ કર્યું હતું.