ઇન્ડિયન ડાયેસ્પોરા આપણી તાકાત છે વિશ્વમાં જુદી છાપ ધરાવે છેઃ મોદી

 

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. વોશિંગ્ટન એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યાં હાજર ભારતીય ડાયેસ્પોરાએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. વડા પ્રધાન એરપોર્ટ ઉપર પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને ત્યાં સત્કાર માટે હાજર લોકોને પણ મળ્યા હતા. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતીય ડાયેસ્પોરા વિશ્વભરમાં પોતાની અલગ તાકાત ઉભી કરી છે. વડા પ્રધાનના મતે તેમની અમેરિકાની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારતીય-અમેરિકનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા રોડની બાજુમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વોશિંગ્ટનમાં વડા પ્રધાન મોદીના આગમન સાથે જ મોદી મોદીના નારા ગૂંજ્યા હતા. વડા પ્રધાન મોદી એરપોર્ટથી સીધા હોટેલ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય-અમેરિકન સીઈઓ સાથે મુલાકાતની તસવીર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયના લોકોનો આવકાર મેળવીને ધન્યતા અનુભવું છું. આપણો ડાયેસ્પોરા આપણી તાકાત છે. વિશ્વભરમાં ભારતીય ડાયેસ્પોરાએ પોતાની અલગ છાપ ઉભી કરી છે તે ખરેખર પ્રશંસનીય છે. 

આજથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. તેમના નિર્ધારિત કાર્યક્રમો પૈકી તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિને પગલે તેમણે મોટાપાયે મિલન સમારંભ ટાળ્યો છે. ભારતીય અમેરિકનોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વધુ લોકપ્રિય છે. યુએસમાં ઈન્ડો અમેરિકન્સની વસતિ ૧.૨ ટકા છે. વડા પ્રધાન મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે મુલાકાત કરશે. ક્વોડ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યુએસના પ્રમુખ જો બાયડેન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન તેમજ જાપાનના વડા પ્રધાન યોશિહિડે સુગા સાથે વૈશ્વિક વ્યૂહાત્મક સંબંધો ગાઢ બનાવવા ચર્ચા કરશે. ૨૫ સપ્ટેમ્બરે યુનોની મહાસભાને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધશે.