ઇટાલીમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવતા નવું લોકડાઉન

 

ઇટાલીમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવવાને કારણે નવેસરથી લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે જ્યાં હોસ્પિટલો દર્દીઓના ધસારા સામે ઝઝૂમી રહી છે.

ગયા વર્ષે એક સમયે જે વિશ્વનો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બન્યો હતો તે ઇટાલીમાં ફરીથી કેસોમાં ઉછાળો આવ્યો છે અને ત્યાં આજથી નવું લોકડાઉન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ફ્રાન્સમાં પણ કોરોનાવાઇરસના ચેપના કેસોમાં મોટો ઉછાળો જોવામાં આવી રહ્યો છે અને ફ્રાન્સની રાજધાની પેરિસની હોસ્પિટલો ઉભરાઇ જવાને કારણે, ખાસ કરીને આઇસીયુઝમાં જગ્યા નહીં હોવાને કારણે ગંભીર સ્થિતિના દર્દીઓને હવાઇ માર્ગે અન્ય શહેરોની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ખાસ મેડિકલ વિમાનો દર્દીઓને પેરિસથી એવા વિસ્તારોની હોસ્પિટલોમાં ખસેડી રહ્યા છે જ્યાં કેસોનું પ્રમાણ ઓછું છે. પેરિસમાં કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટને કારણે કેસોમાં ઉછાળો આવ્યો છે અને અહીં રસીઓનો જથ્થો મર્યાદિત હોવાને કારણે રસીકરણ કાર્યક્રમને પણ મુશ્કેલી નડી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પેરિસ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં નવું લોકડાઉન આવી શકે છે. નેશનલ હેલ્થ એજન્સીના વડાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ગુંચવાયેલી અને તનાવ ભરેલી છે અને પેરિસ પ્રદેશમાં સ્થિતિ બગડી રહી છે. જો લોકડાઉન લાદવું પડશે, તો લાદવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું