ઇટાલીમાં એક દિવસમાં ૪૭૫નાં મોત, ચીનમાં કોઈ નવો કેસ નહિ

રોમ, લંડન, તહેરાનઃ કોરોના વાઇરસે ચીન બાદ સૌથી વધારે હાહાકાર ઇટાલીમાં મચાવ્યો છે. મળતી વિગતો પ્રમાણે, એક જ દિવસમાં ઇટાલીમાં ૪૭૫ લોકોનાં મોત આ વાઇરસને કારણે થતાં ગંભીર કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે જ ઇટાલીમાં ૨૯૭૮ લોકો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. બીજી તરફ, ૨૪ કલાકમાં ૪૨૦૭ નવા દરદીઓ સામે આવતાં હવે કુલ દરદીઓની સંખ્યા ૩૫,૦૦૦ને પાર કરી ગઈ છે. કોરોના વાઇરસનું એપી સેન્ટર મનાતા ચીનમાં પહેલી વખત એવું બન્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોઈ નવો દરદી સામે આવ્યો નથી. બીજી તરફ, અમેરિકન કોંગ્રેસના બે સાંસદ પણ આ વાઇરસની ચપેટમાં આવી ગયા છે. બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

વિશ્વમાં કોરોનાના બે લાખ કેસ

:ઇરાનમાં લાખોનાં મોતનો ભય

દુનિયાભરમાં કોરોનાના દરદીની સંખ્યા ૨.૦૫ લાખથી વધારે થઈ છે, જ્યારે સવાઆઠ હજારનાં મોત અત્યારસુધીમાં થયાં છે. કોરોનાનો ફેલાવો ટાળવા માટે યુરોપના દેશોએ પોતાની સરહદો સીલ કરવાની શરૂ કરી દીધું છે. યુરોપના વિવિધ દેશો વચ્ચે જમીન માર્ગે આવન-જાવન માટે અનેક રસ્તાઓ છે. આ રસ્તાઓ પૈકી ઘણાખરા હાલ બંધ કરી દેવાયા છે. ઇટાલીમાં કોરોનાની વ્યાપક અસરને કારણે ૮૦ હજારથી વધારે લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે. અમેરિકા અને કેનેડા વચ્ચેની સરહદને પણ આંશિક રીતે બંધ કરી દેવાઈ છે. ઇરાની સરકારે એવી ચેતવણી આપી છે કે જો પ્રજા પૂરતી સાવધાની નહિ રાખે તો આ ચેપ ખૂબ ઝડપથી ફેલાશે અને એના પરિણામે લાખો લોકોનાં મૃત્યુ થઈ શકે છે. ઇરાનની સરકારી ચેનલ પર આ ચેતવણી રજૂ કરવામાં આવી હતી. બ્રિટન અને અમેરિકામાં પણ મોટી સંખ્યામાં મોત થઈ શકે છે, એવી આશંકા એક રિપોર્ટમાં વ્યક્ત કરાઈ છે. જર્મન સરકાર પણ સમયસર પગલાં નહિ ભરે તો લાખો લોકોને ચેપ લાગી શકશે એવી ચેતવણી જર્મનીના જ વાઇરસનિષ્ણાત દ્વારા અપાઈ છે. ફ્રાન્સના આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે અઠવાડિયાથી બાર દિવસમાં વાઇરસની સ્પીડમાં ઘટાડો થવાની શક્યતા છે. ઘણા દેશોએ પરદેશી નાગરિકોને દેશ છોડવાની સૂચના આપી દીધી છે. અમેરિકી સરકાર મક્સિકોથી આવેલા લોકોને પરત તેના દેશમાં મોકલવાની તૈયારીમાં છે.