
વોશિંગ્ટનઃ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે મિડલ ઇસ્ટ પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાન મુજબ, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને અલગ દેશ તરીકે રહે એવી ‘ટૂ નેશન’ થિયરી રજૂ થઈ છે. પ્લાન પર ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ વર્ષથી કામ કરતા હતા. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે દાયકાઓથી સંઘર્ષ ચાલ્યો આવે છે. એનો કાયમી ઉકેલ આવે એટલા માટે ટ્રમ્પના આ પ્લાનમાં પેલેસ્ટાઇન પાસે અત્યારે જેટલી જમીન છે એટલી જમીન પર નવા રાષ્ટ્રનું સર્જન કરવાનો પ્રસ્તાવ છે.
પેલેસ્ટાઇને એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર આ પ્રસ્તાવ નકારી દીધો છે, કેમ કે પ્લાન પ્રમાણે જેરુસલેમ શહેર ઇઝરાયેલ પાસે જ રહે છે, જ્યારે કે પેલેસ્ટાઇનની સ્પષ્ટ ડિમાન્ડ છે કે જેરુસલેમ શહેર અમારા નવા રચાનારા રાષ્ટ્રનું પાટનગર બને. જે આયોજનમાં અમને ઇસ્ટ જેરુસલેમ શહેર મળવાનું ન હોય એવા કોઈ આયોજન પર અમારે ચર્ચા-વિચારણા કરવાની થતી નથી કે નથી એ આયોજન સ્વીકારવાનું. ૧૯૬૭માં ઇઝરાયેલે પેલેસ્ટાઇન પર આક્રમણ કરીને આ જેરુસલેમ શહેર કબજે કર્યું હતું.
ઇઝરાયેલના વડા પ્રધાન નેતાન્યાહુ અત્યારે અમેરિકી યાત્રા પર છે. તેમને સાથે રાખીને જ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ આયોજન વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. જોકે આંતરરાષ્ટ્રીય બાબતોના અનેક નિષ્ણાતોએ આ આયોજનને વગરવિચાર્યે કરેલો પ્લાન ગણાવ્યો છે. તો પેલેસ્ટાઇને આક્ષેપ કરતાં કહ્યું હતું કે અમારી ભૂમિ છીનવી લેવાનું આ અમેરિકા-ઇઝરાયેલનું કાવતરું છે. પેલેસ્ટાઇની પ્રમુખ મહમૂદ અબ્બાસે જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનની ભૂમિ અમે વેચવા નીકળ્યા નથી, એના પર કોઈ સોદાબાજી થશે નહિ.
પ્રમુખ ટ્રમ્પના પ્લાન પ્રમાણે, વેસ્ટ બેન્ક નામનો વિસ્તાર પણ ઇઝરાયેલ પાસે રહેશે. આ વિસ્તાર સાડાપાંચ હજાર ચોરસ કિલોમીટરનો છે. ઇઝરાયેલે એ વિસ્તાર પર પણ ૧૯૬૭ના યુદ્ધ વખતે કબજો કર્યો હતો. ઇઝરાયેલની જ્યાં ૧૯૪૮માં સ્થાપના થઈ ત્યાં પહેલાં આરબોની પેલેસ્ટાઇન ભૂમિ જ હતી.
પરંતુ એ પહેલાં એટલે કે ઈસવીસન પૂર્વેમાં અહીં યહૂદીઓ રહેતા હતા. એ આધારે એ ભૂમિ પર ઇઝરાયેલ દેશ સ્થપાયો છે. બીજી તરફ પેલેસ્ટાઇની આરબો પોતાની ભૂમિ ખાલી કરી ક્યાંય જવા માગતા નથી, માટે દાયકાઓથી આ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલે છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)