ઇઝરાયેલમાં યહુદીઓના ધાર્મિક ઉત્સવમાં નાસભાગઃ ૪પનાં મોત

 

જેરુસેલમઃ ઇઝરાયેલની સૌથી ખરાબ કચડાકચડીની કરૂણાંતિકાઓમાંની એક એવી ઘટનામાં ૪પ લોકોનાં મોત થયા હતા તથા અન્ય ૧પ૦ને ઇજા થઇ હતી જ્યારે દેશના ઉત્તરીય ભાગમાં યહુદીઓના એક ધાર્મિક મેળામાં નાસભાગ સર્જાઇ હતી જે મેળામાં કોરોના વાઇરસને લગતા નિયંત્રણોનો ભંગ કરીને હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. આ સામૂહિક મેળાવડાનું આયોજન લેગ બીઓમર નામના એક વાર્ષિક ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવા માટે કરાયું હતું, જેમાં આખી રાત બોનફાયર, પ્રાર્થના અને નૃત્યના કાર્યક્રમો યોજાય છે. રબ્બી શિમોનબાર યોચાઇના મકબરા નજીક આ મેળો ભરાય છે જે મકબરો યહુદીઓના સૌથી પવિત્ર સ્થળોમાંનો એક ગણાય છે. ગુરુવારે રાત્રે ધાર્મિક વૃતિના હજારો યહુદીઓ આ મેળામાં ભાગ લેવા આવ્યા હતા ત્યારે એક દાદર પરથી કેટલાક શ્રદ્ધાળુઓ ગબડી પડ્યા હતા અને તેઓ બીજા લોકો પર પડતા નાસભાગ સર્જાઇ હતી જેને પરિણામે થયેલી કચડાકચડીમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા એમ પોલીસનો પ્રાથમિક તપાસ અહેવાલ જણાવે છે.

ઝાકા એમ્બ્યુલન્સ સેવાના જણાવ્યા પ્રમાણે ૪૪નાં મોત થયા છે તથા અન્ય ૧૫૦ને ઇજા થઇ છે. બાદમાં મૃત્યુઆંક ૪૫ હોવાનું જણાવાયું હતું. ઇજાગ્રસ્તોમાંના કેટલાકની હાલત ગંભીર ગણાવાય છે. ફાયર ફાઇટરોએ ફસાઇ ગયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી. બચાવ કાર્યમાં હવાઇ દળને પણ કામે લગાડવામાં આવ્યું હતું. ગુરુવાર રાતના અંદાજ પ્રમાણે સ્થળ પર એક લાખ જેટલા લોકો એકઠા થયા હતા અને શુક્રવારે બીજા એક લાખ લોકો આવે તેવી ધારણા રખાતી હતી.