ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિનને મિસાઇલ હુમલાને પગલે ચૂંટણીની રેલી છોડી ભાગવું પડ્યું

જેરુસલેમઃ ઇઝરાયેલમાં ગાઝા તરફથી રોકેટ હુમલા છાશવારે થતા જ હોય છે. હાલમાં ઇઝરાયેલમાં ફરી ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આવા જ એક હુમલાને કારણે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને રેલી છોડવાનો વારો આવ્યો હતો. બુધવારે સાંજે આ ઘટના બની હતી. વડા પ્રધાન નેતન્યાહુ સાથે આવું બીજી વખત થયું છે. ગાઝામાં ઇસ્લામિક કમાન્ડરના મોત બાદ ઇઝરાયેલ પર આતંકીઓએ ૨૦૦થી વધુ મિસાઇલો ફાયર કરી હતી, જેમાં કેટલાક નાગરિકોનાં મોત થયાં હતાં. સેનાનું કહેવું છે કે ગાઝાપટ્ટીમાંથી લોન્ચ થયેલી મિસાઇલ્સને ઇઝરાયેલની એન્ટી-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે રોકી પાડી હતી. જોકે મિસાઇલ લોન્ચ થયા બાદ એશ્કેલોન શહેરમાં સાયરન વાગવા માંડી હતી, એ વખતે નેતન્યાહુ એક રેલીમાં હતા. ત્યાર બાદ નેતન્યાહુને તેમના સિક્યોરિટી સ્ટાફે તાત્કાલિક રેલીમાંથી સલામત જગ્યાએ ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલમાં કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નહિ મળતાં ફરી ચૂંટણી કરવાનો વારો આવ્યો છે.