ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટમાં ઘનશ્યામ મહારાજની દિવ્ય નગરયાત્રા

લેકઃ ઇંગ્લેન્ડના, લેક ડિસ્ટ્રિક્ટમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સંતો હરિભક્તોએ સાથે મળી ઘનશ્યામ મહારાજની ભવ્યતા અને દિવ્યતા સભર નગરયાત્રા સહિત સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદર કલાકૃતિ ધરાવતા રથમાં હરિકૃષ્ણ મહારાજ સહિત સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ તથા મહંત સદગુરુ સંતો બિરાજમાન થયા હતા.
મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, બોલ્ટન તથા લંડને નગરયાત્રામાં ભક્તિરસના સૂરો રેલાવ્યા હતા અને અનેકાનેક યુરોપિયન આદિ રાષ્ટ્રોના સહેલાણીઓને આકર્ષિત કર્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય સ્વામી મહારાજના સ્યંદનની પાછળ કળશધારી બહેનોએ પણ ભક્તિભાવથી કીર્તનોનું ગાન કર્યું હતું. ત્યારબાદ પરમ પૂજય આચાર્ય સ્વામી મહારાજ તથા સંતો હરિભક્તોએ નૌકાવિહાર કર્યો હતો.
આ અવસરે મેયર લીચ હોલ્સ્ટસ્ચ, કાઉન્સિલર એડ્રિયન લેગ, પોલીસ સાર્જન્ટ – સુઝાન ઓ’નીલ, પોલીસ કોન્સ્ટેબલ – બેકી, ક્રુઝ માલિક – નિગેલ વિલ્કિન્સન MBE, લેક મેનેજર – જોન વુડબર્ન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નૌકાવિહાર કર્યા બાદ લેક ડિસ્ટ્રિક્ટ વિન્ડરમિયરમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ તથા સદગુરુ સંતોએ વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં નવા વૃક્ષનું આરોપણ કર્યું હતું. ત્યારબાદ સ્વામીબાપા હિલમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ શિબિર પણ યોજાઈ હતી. સ્મૃતિ શિબિરમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાનું પૂજન, અર્ચન તથા આરતી પણ ઉતારી હતી. ત્યારબાદ ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદનું પાન પણ કરવામાં આવ્યું હતું.
લેક ડિસ્ટ્રિક્ટમાં અવિસ્મરીયણ પ્રસંગોની સ્મૃતિને તાજી રાખવા અને દિવ્ય આશીર્વાદની સ્મૃતિને જીવંત રાખવા માટે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના ષષ્ઠ વારસદાર આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં વિશાળ સંતો હરિભક્તો સહિત પધારી ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ શિબિરનો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર લીધો હતો.

(માહિતીઃ મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામી)