આ વખતની ઠંડી ગંભીર બિમારી લાવશેઃ જો બાયડેનની ચેતવણી

 

વોશિંગ્ટન : કોરોનાની મહામારીની સંભવિત ત્રીજી લહેર આવી ગઈ છે અને સાથે જ કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ૭૦ જેટલા દેશોમાં ઝડપથી ફેલાય રહ્યો છે. કોરોના વાઇરસના સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. જે અમેરિકા માટે એક ચિંતાનો વિષય છે. કોરોના મહામારી વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે યૂનાઈટેડ સ્ટેટમાં કોરોના વાઇરસ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે અને આ શિયાળાની ઠંડી ગંભીર બીમારીઓ લઈને આવશે. વેક્સિન લેનારા લોકોને ચેતવણી આપતા કહ્યું કે જે લોકોએ વેક્સિન નથી લીધી તેઓને આ શિયાળામાં ગંભીર બીમારી થઈ શકે છે અને મૃત્યુનો પણ સામનો કરવો પડી શકે છે.

કોરોના મહામારી અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડેને તબીબ નિષ્ણાતો સાથે બેઠક કરી હતી અને મહામારીની જાણકારી એકત્રિત કરી હતી. બેઠક બાદ બાયડેને કહ્યું કે દેશ ઓમિક્રોન સામે લડવા માટે સંપૂર્ણ તૈયાર છે. દેશમાં ઝડપથી બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. બહારથી આવતા મુસાફરો માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે. 

બાયડેને ટિવટ્ કરીને કહ્યું કે જો તમે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય અને તો પણ ઓમિક્રોનની ચિંતા સતાવે તો તમારે બુસ્ટર ડોઝ લઈ લેવા જોઈએ. તમે વેક્સિન નથી લીધી તો જાવ પહેલા વેક્સિનના બંને ડોઝ મુકાવો, આપણે સાથે મળીને નવા વેરિયન્ટ સામે લડીશું

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી યૂનાઈટેડ સ્ટેટમાં નથી ફેલાઈ રહ્યો અને તેના માટે અમેરિકાનું તંત્ર પ્રશંસાનું હકદાર છે. પરંતુ તેનો મતલબ એ નથી કે ઓમિક્રોન ફેલાશે જ નહીં. બાયડેને કહ્યું કે ઓમિક્રોન ફેલાય છે અને તે આગળ વધારે ફેલાશે. તેથી તમે તમારો બૂસ્ટર ડોઝ લઈ લો. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાય રહ્યો છે અને તેના સંક્રમણના મામલામાં બે ગણો વધારો થયો છે. જોકે વ્હાઈટ હાઉસે આ અગાઉ કહ્યું હતું કે લોકડાઉન લગાવવાની કોઈ જરૂર નથી. કારણ કે રસી પુરતા પ્રમાણમાં ઉપલ્બધ છે અને ગંભીર વાઇરસથી બચવા મદદરૂપ પણ છે.

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન કોરોનાની મહામારીની આશંકા વ્યક્ત કરે છે. યુરોપિયન દેશમાં હવે કોરોનાની સારવાર કરવા માટે ફાઈઝર કંપનીની કોવિડ પિલ (કોરોના ટેબ્લેટ)નો ઉપયોગ કરવામાં આવશે. યુરોપિયન યુનિયન (EU)ના ડ્રગ્સ રેગ્યુલેટરે આ ટેબ્લેટના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. અને સાથે જ અમેરિકન ફાર્મા કંપની ફાઈઝરે આ અઠવાડિયે દાવો કર્યો હતો કે તેમની ટેબ્લેટના ઉપયોગ દ્વારા કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ અને મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં ૯૦ ટકા સુધીનો ઘટાડો થશે.