આ રાષ્ટ્રીય સંકટ છે; મૂકદર્શક ન રહી શકાય : સુપ્રીમ કોર્ટ

 

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં અસામાન્ય વધારાને ‘રાષ્ટ્રીય કટોકટી’ ગણાવતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કડક શબ્દો સાથે ટિપ્પણી કરી હતી કે, તે આ સંજોગોમાં  ‘મૂકદર્શક’ બનીને બેસી રહી શકે નહીં અને સ્પષ્ટ કર્યું હતું કે, કોવિડ-૧૯ મહામારીના સંચાલન માટેની રાષ્ટ્રીય નીતિ પરની આ સુઓમોટો કાર્યવાહીનો ઉદ્દેશ એ નથી કે, હાઇકોર્ટની સુનાવણી હટાવવી કે તેમના કામમાં હસ્તક્ષેપ કરવો. અમારો ઉદ્દેશ છે કે, હાઇકોર્ટની મદદની સાથે પોતાની ભૂમિકા અદા કરીએ. હાઇકોર્ટની પણ અગત્યની ભૂમિકા છે. 

મંગળવારે સુપ્રીમ કોર્ટે કોરોના સંકટને લઇને સરકાર પર ફરી એક ફટકાર લગાડી હતી. કોરોનાના વધતા કેસ અને દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓને જોતાં સુપ્રીમે આ મામલે જો સંજ્ઞાન લીધું હતું અને કેન્દ્રને નોટિસ જારી કરીને આ માટેની ‘રાષ્ટ્રીય યોજના’ માગી હતી. ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ એલ. નાગેશ્વર રાવ અને ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠમાં આ સુનાવણી ચાલે છે. જેમાં  સુપ્રીમે સ્પષ્ટ સવાલ કર્યો કે, આ સંકટનો સામનો કરવા માટે યોજના શું છે? ઓક્સિજનને મામલે શું યોજના છે? અત્યારે કેટલો જથ્થો છે અને વહેંચણી કેવી રીતે થાય છે? રાજ્યોમાં સ્થિતિ શું છે? અદાલત મૂકદર્શક ન રહી શકે. અદાલત સહયોગના દષ્ટિકોણથી સુનાવણી કરે છે. કોર્ટે હોસ્પિટલમાં ભરતી થવા માટેની રાષ્ટ્રીય નીતિ અને અલગ અલગ કિંમત પર પણ કેન્દ્રનો જવાબ માગ્યો હતો.

ન્યાયાધીશ ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે, હાઇકોર્ટો તેમના પ્રદેશમાં મહામારીની સ્થિતિ પર નજર રાખવા માટેની વધુ સારી સ્થિતિમાં છે. સર્વોચ્ચ અદાલત પૂરક ભૂમિકા ભજવી રહી છે અને તેનું અર્થઘટન સાચા સંદર્ભમાં સમજવું જરૂરી છે. કારણ કે, કેટલીક બાબતો પ્રાદેશિક સીમાની બહાર હોય છે. કોર્ટનું નિરીક્ષણ બહુ મહત્ત્વ ધરાવે છે, કારણ કે, કેટલાક ધારાશાત્રીઓએ સર્વોચ્ચ અદાલતના ગત ગુરુવારે  મહામારીના વધારા પર લીધેલા સુઓમોટો સંજ્ઞાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, હાઇકોર્ટોને તેમની સુનાવણી સાથે ચાલુ રહેવા દેવાય. આ પહેલાં, દિલ્હી હાઇકોર્ટમાં ઓક્સિજનના પુરવઠા અને કોરોના સામેની સરકારની કાર્યવાહી પર સુનાવણી ચાલી હતી. આ સાથે જ કેન્દ્ર સરકાર પાસેથી ‘રાષ્ટ્રીય યોજના’ માગનાર સુપ્રીમે આ મુદ્દે સુનાવણી કરી હતી. જેનો જવાબ કેન્દ્ર સરકારે સુપ્રીમમાં દાખલ કર્યો હતો.