આ મારી અંતિમ ચૂંટણી છે બિહાર; ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે નીતિશ કુમારે કર્યું એલાન

 

 

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, આ મારી અંતિમ ચૂંટણી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્ણિયામાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, જાણી લો આજે ચૂંટણીનો અંતિમ દિવસ છે અને પરમ દિવસે ચૂંટણી છે. આ મારી અંતિમ ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણીને લઈને રાજકિય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે. આ વચ્ચે નીતિશ કુમારનું આ નિવેદન સામે આવ્યું છે. નીતિશ કુમારે વર્ષ ૧૯૭૨માં બિહાર એન્જીનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે થોડાં સમય માટે બિહાર સ્ટેટ ઈલેક્ટ્રીસિટી બોર્ડમાં નોકરી પણ કરી પરંતુ જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા જેવા નેતાઓના સંપર્કમાં આવ્યા બાદ તેઓ રાજનીતિમાં આવ્યા. તેમણે વર્ષ ૧૯૭૭માં પોતાની પહેલી ચૂંટણી લડી હતી. તેમણે નાલંદાના હરનૌતથી ચૂંટણી લડી હતી. અહીંથી નીતિશ કુમાર ચાર વખત ચૂંટણી લડી જેમાં તેમણે ૧૯૭૭ અને ૧૯૮૦માં હાર મળી, જ્યારે ૧૯૮૫ અને ૧૯૯૫ની ચૂંટણીમાં તેમની જીત થઈ હતી.

અમેરિકામાં મતગણતરી દરમિયાન હિંસક દેખાવો, આગચંપી, ૬૦ની અટકાયત

વોશિંગ્ટનઃ અમેરિકામાં ચાલી રહેલી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની મતગણતરી દરમિયાન હિંસા થઈ શકે છે તેવી દહેશત સાચી પડતી લાગી રહી છે. મતગણતરીમાં વિલંબના કારણે પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે અને તેની વચ્ચે અમેરિકામાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.

અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે બુધવારે રાતે ન્યુ યોર્કના મેનહટન વિસ્તારમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. એક ગલીમાં ટોળાએ આગચંપી કરી હતી અને પોલીસ અધિકારી સામે થૂંકીને લોકોએ વિરોધ કર્યો હતો. આ સિવાય વોશિંગ્ટન સ્કવેર પાર્કમાં શાંતિપૂર્ણ વિરોધ બાદ ૬૦ લોકોની ધરપકડ થઈ હતી. જેના પગલે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

અમેરિકાના પોર્ટલેન્ડ શહેરમાં પણ થયેલા દેખાવો બાદ ઓરેગન  નેશનલ ગાર્ડને બોલાવવાની ફરજ પડી હતી. લોકોએ શહેરના એક હિસ્સામાં તોડફોડ કરીને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યુ હતુ. સાથે સાથે ફિલાડેલ્ફિયા, શિકાગોમાં પણ દેખાવો થઈ રહ્યા છે. લોકો માગ કરી રહ્યા છે કે, એક એક મતની ગણતરી કરવામાં આવે. સાથે સાથે લોકો અશ્વેત આંદોલનનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે. અમેરિકન પ્રમુખના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસથી સ્હેજ જ દુર એક હજાર કરતા વધારે લોકો ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. વોશિંગ્ટનમાં લોકોએ રસ્તા પર માર્ચ કરી હતી જેના કારણે ટ્રાફિક પણ જામ થયો હતો. લોકોએ ફટાકડા પણ ફોડયા હતા.