આસામ વિધાનસભા ચૂંટણી ઃ ભાજપે સંકલ્પપત્ર બહાર પાડ્યું : ૧૦ લાખ લોકોને રોજગારીનો સંકલ્પ

 

ગુવાહાટીઃ આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે આસામ વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો સંકલ્પપત્ર જાહેર કર્યો છે. આસામ માટે જાહેર કરાયેલા સંકલ્પપત્રમાં ભાજપે સરકારમાં બે લાખ અને ખાનગી ક્ષેત્રના આઠ લાખ યુવાનોને નોકરી આપવાનો સંકલ્પ લીધો છે, સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ એનઆરસી લાગુ કરવાની ખાતરી પણ આપી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જાહેરનામું બહાર પાડતાં જણાવ્યું હતું કે આસામમાં ફરીથી ભાજપ શાસિત સરકાર બનાવવામાં આવે તો ઘુસણખોરોને બાકાત રાખવા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એનઆરસી લાગુ કરવામાં આવશે. તેમજ રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે. જેપી નડ્ડાએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા આસામમાં ઘણી પડકારો હતી, જેનો સામનો એનડીએ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આસામને વિકાસ તરફ આગળ વધારવા એનડીએએ સંકલ્પ કર્યો છે.  ૩૦ લાખ જરૂરીયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવા માટે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

દીકરીઓના શિક્ષણ માટે સરકાર આઠમા ધોરણ પછી તેમને માનક શિક્ષણ આપશે, અને તેમને સાયકલ પણ આપવામાં આવશે. આ સાથે, આસામમાં યુવાનોને ઝડપી ગતિએ રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જાહેર ક્ષેત્રમાં બે લાખ લોકોને નોકરી આપવામાં આવશે, તેમાંથી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં એક લાખ નોકરી આપવામાં આવશે. ખાનગી ક્ષેત્રમાં આઠ લાખ નોકરીઓ આપવામાં આવશે.

ભાજપના મુખ્ય ચૂંટણી સંકલ્પો

આસામના લોકોને પૂરની સમસ્યાથી મુકત કરવા માટે, અમારી સરકાર દ્વારા બ્રહ્મપુત્રા નદીની આજુબાજુ વિશાળ જળાશયો બનાવવામાં આવશે.

ઓરુણોદય યોજના હેઠળ ૩૦ લાખ પરિવારોને દર મહિને ૩,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

બે લાખ યુવાનોને સરકારી નોકરી અને આઠ લાખ ખાનગી ક્ષેત્રમાં નોકરી અપાવવાનું વચન આપ્યું છે

ઘુસણખોરોને બાકાત રાખવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એનઆરસી લાગુ કરવામાં આવશે

રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે

મિશન શિશુ અપગ્રેડેશનઃ અમે બાળકોના સારા શિક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. બાળકોને વિના મૂલ્યે ઉચ્ચ ગુણવત્તા સંપૂર્ણ શિક્ષણ આપવામાં આવશે.

આઠમા ધોરણ પછી, વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવશે, જેથી ડ્રોપ આઉટ બંધ થઈ જશે.