આસામમાં રામ મંદિર ભૂમિ પૂજનની ઉજવણી દરમિયાન હોબાળો, સેનાની ફ્લેગ માર્ચ

 

ગુવાહાટીઃ આસામના સોનિતપુરમાં રામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજનની ઉજવણી દરમિયાન બે સમુદાય સામ સામે આવી ગયા હતા. ત્યાર બાદ સોનિતપુરના બે થાણા ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે.

ગુરુવારે સેનાના જવાનોએ કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી. સોનિતપુરના અધિકારીઓના કહેવા પ્રમાણે બુધવારે રામ જન્મભૂમિ મંદિરના ભૂમિ પૂજન નિમિત્તે બજરંગ દળના કાર્યકરોએ બાઈક રેલી કાઢી હતી અને તે સમયે બે જૂથ વચ્ચે વાકયુદ્ધ થયું હતું. ત્યાર બાદ મામલો વધુ બિચક્યો હતો અને હોબાળો થતા બંને થાણા ક્ષેત્રોમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. 

સોનિતપુરના એએસપી નુમલ મહાતાના કહેવા પ્રમાણે જિલ્લાના થેલામારા અને ઢેકિયાજુલી પોલીસ થાણામાં અનિશ્ચિત મુદત માટે કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. સેનાના જવાનોએ જિલ્લા પ્રશાસનના અનુરોધ પર ફ્લેગ માર્ચ પણ કરી હતી. હાલ તે વિસ્તારમાં સ્થિતિ કંટ્રોલમાં છે અને બે વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવેલી છે. 

એએસપી નુમલ મહાતાએ જણાવ્યું કે, બંને પક્ષના આશરે ૧૦ લોકો ઘાયલ થયા છે. આ તરફ બજરંગ દળ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તેમના ઓછામાં ઓછા ૧૨ કાર્યકરો ઘાયલ થયા છે. હોબાળાના પગલે આસામના એડીજી જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહને કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે અને તેઓ સોનિતપુર પહોંચી રહ્યા છે. 

સોનિતપુરના પોલીસ અધીક્ષક મુગ્ધાજ્યોતિ દેવ મહંતા પણ બુધવાર સાંજથી જ ઘટના સ્થળે કેમ્પ કરી રહ્યા છે. ભોરા સિંગોરીસ્થિત એક મંદિરમાં ઉંચા અવાજે સંગીત વગાડવામાં આવતા અને નારેબાજી કરવામાં આવતા હોબાળાની શરૂઆત થઈ હતી. તે વખતે અન્ય સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી બાઈક પર સવાર કાર્યકરો ભડકી ઉઠ્યા હતા.