આસામમાં મૂશળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ

 

આસામઃ અસાની વાવાઝોડુ ત્રાટક્યા બાદથી આસામમાં સતત વરસાદ પડી રહ્યો છે જેનાથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે. વરસાદ અને પાણી ભરાતા હજારો લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આસામ રાજ્ય વિપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ અનુસાર સતત વરસાદને કારણે દીમા હસાઓ જિલ્લાના ૧૨ ગામોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. હાફલોંગ વિસ્તારમાં લગભગ ૮૦ મકાનોને નુકસાન પહોંચ્યું છે. દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ વિસ્તારમાં ભૂસ્ખલનથી એક મહિલા સહિત ૩ લોકોના મોત થયા છે. ભારતીય સેનાના જવાનોએ કછાર જિલ્લાના બાલિચરા અને બરખોલાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અભિયાન ચલાવ્યું હતું. દીમા હસાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને અનેક રહેણાંક વિસ્તારો અને વાણિજ્યિક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.