આસામમાં પૂર, ભૂસ્ખલન અને કોરોના સંક્રમણનું જોખમ

 

ગુવાહાટીઃ આસામના ૩૩માંથી ૨૬ જિલ્લામાં ભારે વરસાદ, ભીષણ પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધી અહીંયા ૧૦૫ લોકોનાં મોત થઈ ચુક્યા છે. લગભગ ૨૭.૬૪ લાખ લોકો પ્રભાવિત થયા છે. રાહત કેન્દ્રમાં લગભગ ૧૮ હજાર લોકો છે. દિબ્રૂગઢ જિલ્લાના રોંગમોલા ગામના શ્યામલ દાસ બે દિવસ પહેલા રાહતકેન્દ્રમાંથી પાછા ઘરે આવ્યા છે. પૂરના કારણે વાંસમાંથી બનાવાયેલું તેમનું ઘર પુરી રીતે ખરાબ થઈ ગયું છે. પત્ની અને બે બાળકો સાથે શ્યામલ ઘરે તો આવ્યા છે, પણ હવે રોજગારીની ચિંતા સતાવી રહી છે. શ્યામલે કહ્યું કે, ‘લોકડાઉન પછી કામધંધો બધુ બરબાદ થઈ ગયું હતું, હવે પૂરે જીવન બરબાદ કરી નાંખ્યુ. નાની કરિયાણાની દુકાન ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. હવે આગળના બધા રસ્તા બંધ થઈ ગયા છે. ખેતરની જમીન પહેલાથી જ પૂર અને ભૂસ્ખલનમાં જતી રહી. છ દિવસથી અમે સુહાગી દેવી શાળામાં બનાવાયેલા અસ્થાયી રાહતકેન્દ્રમાં રહેતા હતા. સંક્રમણના જોખમના કારણે ઘરમાં પૂરનું પાણી ઓછું થતાની સાથે પાછા આવી ગયા છીએ. હંમેશા એક ડર લાગે છે કે રાહતકેન્દ્રમાં ક્યાંક કોરોના ના ફેલાઈ જાય’.