આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો ડ્રાફ્ટઃ 40 લાખ ભારતીય નાગરિક નથી


(ડાબે) તેજપુરમાં પોતાનું નામ અંતિમ ડ્રાફ્ટમાં તપાસવા લાઇનમાં ઊભેલા નાગરિકો. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ) (જમણે) મમતા બેનરજીએ સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. (ફોટોસૌજન્યઃ ડીએનએઇન્ડિયા)

ગુવાહાટીઃ આસામમાં વસતા નાગરિકોમાં કેટલા નાગરિકો ભારતીય નાગરિકત્વ ધરાવે છે તેને લઈને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી)નો અંતિમ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેના આંકડાઓના કારણે ભારે હોબાળો મચી ગયો હતો અને આ ડ્રાફ્ટમાં જણાવ્યા મુજબ આસામમાં રહેતા નાગરિકોમાંથી 2.9 કરોડ નાગરિકો ભારતીય નાગરિકત્વ ધરાવે છે, બાકીના 40 લાખ ભારતીય નાગરિક નથી. આસામ એકમાત્ર એવું રાજય છે, જેની પાસે નાગરિકોની નોંધણીનું રજિસ્ટર છે. આ રજિસ્ટરમાં ફરી નોંધણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે 3.29 કરોડ નાગરિકોએ અરજી કરી હતી, જેમાંથી 2.9 કરોડ નાગરિકો જ નાગરિકત્વને લાયક નીકળ્યા હતા. બાકીના 40 લાખ નાગરિકોને ભારતનું નાગરિકત્વ મળી શકે તેમ નથી.
હિંસા ભડકવાની શક્યતાના પગલે આસામના સાત જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આસામમાં બાંગલાદેશીઓ પણ રહેતા હોવાથી ભારે વિવાદ થતો રહે છે, જેને કારણે આ યાદી તૈયાર કરાઈ રહી છે.
બીજી બાજુ બાકીના 40 લાખ નાગરિકોનું શું થશે તેને લઈને અનેક સવાલ ઊભા થયા છે. ભારતનું નાગરિકત્વ ન મળતાં તેમને ગમે ત્યારે દેશનિકાલ કરવાનો આદેશ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમને મતદાન અને અન્ય લાભોથી દૂર કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ખાતરી આપી કે જે લોકો પાસે નાગરિકત્વ નથી તેમને વિદેશી જાહેર નહિ કરાય.
એનઆરસી અપડેટ કરવાની ચાલી રહેલી કામગીરીનું મોનિટરિંગ સુપ્રીમ કોર્ટ કરે છે. જોકે આ માત્ર અંતિમ ડ્રાફ્ટ છે, અંતિમ યાદી નથી. જે લોકોનાં નામ આ ડ્રાફ્ટમાં નથી તેઓ અપીલ કરી શકે છે તેમ એનઆરસીના કો-ઓર્ડિનેટર શૈલેશે જણાવ્યું હતું. હવે જે લોકોનું નામ આ ડ્રાફ્ટમાં નથી તેઓ અપીલમાં જશે. તમામ પ્રક્રિયા પછી આ વર્ષે 31મી ડિસેમ્બરે ડ્રાફ્ટ પ્રકાશિત કરાશે.
સોમવારે આસામમાં ગોરોઇમારીમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ના અંતિમ ડ્રાફ્ટમાં પોતાનું નામ તપાસવા માટે બોટમાં આવી રહેલા નાગરિકો. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)
દરમિયાન આસામના એનઆરસી ડ્રાફ્ટ મામલે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર શાબ્દિક હુમલા વધારી દીધા છે. મમતાએ ભાજપ વોટબેન્કની રાજનીતિ રમતું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે બાંગલાદેશ સાથેના ભારતના સંબંધો ખતમ થઈ જશે. 40 લાખ નાગરિકોમાંથી ફ્ક્ત એક ટકા ઘૂસણખોરો હોઈ શકે છે, પણ તેના કારણે કેટલાક લોકો હેરાન થઈ રહ્યા છે. મમતા બેનરજીએ તમામ વિપક્ષી દળોને તેમના પ્રતિનિધિમંડળને આસામ મોકલવાની અપીલ કરી છેે.
બુધવારે મમતા બેનરજીએ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, લાલ કૃષ્ણ અડવાણી, યશવંત સિંહા, સમાજવાદી પાર્ટીનાં જયા બચ્ચન, શરદ પવાર, શત્રુઘ્ન સિંહા સાથે મુલાકાત કરી હતી. સોનિયા ગાંધીને મળ્યા પછી મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે 2019ની લોકસભા ચૂંટણી તમામ વિપક્ષો એક થઈને લડશે.
દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે મમતા બેનરજીને પડકાર ફેંકયો છે કે હું કોલકાતા જઈશ, મમતા બેનરજી મારી ધરપકડ કરાવવી હોય તો કરાવી શકે છે.