

ગેરકાનૂની પધ્ધતિથી અમેરિકાની સરહદ પાર કરીને અમેરિકામાં ઘુસી જનારા આશરે 2400 જેટલા ભારતીય લોકો અમેરિકાની વિવિધ જેલમાંં કેદની સજા ભોગવી રહ્યા છે. આ ભારતીયોમાં પંજાબથી આવનારા લોકોની સંખ્યા મોટી છે. તેઓ કહે છે કે, ભારતમાં તેઓ હિંસાનો ભોગ બન્યા છે અથવા સૂચનાના અધિકાર અંતર્ગત, નોર્થ અમેરિકન પંજાબી એસોસિયેશન(નાપા) ને જે માહિતી પ્રાપ્ત થઈ હતી તે પ્રમાણે, 2382 ભારતીય વ્યક્તિઓ અમેરિકાની 86 જેલમાં કેદ ભોગવી રહ્યા છે. 10 ઓકટોબર સુધી મળેલી માહિતી પ્રમાણે, 377 ભારતીય નાગરિકો કેલિફોર્નિયા ખાતેના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ સેન્ટરમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે. 269 ભારતીય નાગરિકોને ઈમ્પીરીયલ રિજનલ એડલ્ટ ડિટેન્શન ફેસિલિટીમાં અને 245 જણાને ફેડરલ કરેકશનલ ઈન્સ્ટીટયૂશન , વિકટર વિલેમાં અટકાયતી તરીકે રાખવામાં આવ્યા છે. મોટાભાગના અટકાયતીઓ અમેરિકામાં આશ્રયની માગણી કરી રહયા છે. તેઓ કહી રહયા છે કે, ભારતમાં તેમને હિંસા અને શોષણના ભોગ બનવું પડે છે. અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે, અમેરિકામાં શરણ માગનારા 50 જેટલા ભારતીય લોકોની સાથે જેલમાં ગુનેગારો જેવો વર્તાવ કરવામાં આવ્યો હતો. આ ભારતીય કેદીઓ સાથે બહુ જ ખરાબ વર્તાવ કરવામાં આવતો હોવાનું તેમને કાનૂની મદદ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની ઝીરો ટોલરન્સ નીતિને કારણે આ ગેરકાનૂની રીતે અમેરિકાની સીમા પાર કરનારા ભારતીયોને ઓરેગોનની એક ફેડરલ જેલમાં રાખવામાં આવ્યા છે. ટ્રમ્પ શાસનની કડક ઈમિગ્રેશન નીતિને કારણે આ વરસે 19 એપ્રિલથી 31 મેસુધીના સમયગાળામાં આશરે 2,000 બાળકોને તેમના વાલીઓથી વિખૂટા પાડીને વિવિધ આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા.