આવા જૂઠનો જગતમાં જયજયકાર થવો જોઈએ!

0
855

ભાષામાં સ્થૂળ શબ્દની કોઈ કિંમત નથી હોતી, તે શબ્દ કયા અર્થ માટે અથવા કયા મર્મ માટે પ્રયોજાયો છે એના આધારે માનવીનું ચારિત્ર પ્રગટ થતું હોય છે.
કોઈ માણસ ખોટું બોલે અને છતાં તેને ભરપૂર પુણ્ય મળે એ પોસિબલ ખરું? હું તમને આજે એવું એક ઉદાહરણ આપવા માગું છું, જેમાં ખોટું બોલનારને પાપ બિલકુલ ન લાગે અને પુણ્ય પારાવાર થાય!
આમ તો લગે રહો મુન્નાભાઈ ફિલ્મ જેમણે જોઈ છે તેમને ખ્યાલ હશે કે મુન્નાભાઈ એમની લાઇફમાં ક્યારેય ખોટું બોલ્યા છે ખરા? – એવા પ્રશ્નના જવાબમાં તે કહે છે કે હા, હું મારી લાઇફમાં એક વખત ખોટું બોલ્યો છું! એક ગરીબ બાળકની આઠ આની ખોવાઈ ગઈ હતી. તે રડતો હતો. મેં તેને મારી આઠ આની આપી અને કહ્યું કે લે, આ તારી આઠ આની છે!
કોઈ રડતા બાળકને સ્માઇલ આપવા માટે બોલાયેલું જૂઠ હજાર સત્ય કરતાં ચડિયાતું છે એમ માનવામાં આપણને કોઈને કશીયે તકલીફ ન પડવી જોઈએ! પણ આજે મારે જે વાત કરવાની છે તે જુદી છે! આ ક્યાંય વાંચેલી કે બીજેથી ઉધાર-ઉછીની લીધેલી કથા નથી, મારા પ્રત્યક્ષ અનુભવની વાત છે.
એક વખત રાત્રે નવેક વાગ્યાની આસપાસ હું અમદાવાદના રિલીફ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ગરીબ ભિખારી માતા-પુત્રના સંવાદના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય મને મળ્યું હતું.
ભિખારણ માતા બીમાર હતી અને તેનો પંદરેક વર્ષનો દીકરો ભીખ માગવા ગયો હતો. એ ભીખ માગીને પાછો આવ્યો. અને એણે ભીખનું પાત્ર પોતાની માતાની સામે મૂકી દીધું. ગરીબ માતાએ જોયું કે પાત્રમાં આજે ભીખ બહુ જ ઓછી મળી છે, એટલે એણે પુત્રને કહ્યું, ‘બેટા, મારે તો આજે સોમવારનો ઉપવાસ છે એટલે મારે ખાવાનું નથી. આ ખાવાનું જે મળ્યું છે તે તું જ ખાઈ લે, પછી આપણે સૂઈ જઈએ!
દીકરો સમજી ગયો કે આજે ભીખ ઓછી મળી છે એટલે માતા ઉપવાસનું બહાનું કાઢી રહી છે. એ જાણતો હતો કે એની મા કંઈ દર સોમવારે ઉપવાસ કરતી નહોતી! એણે ધીમા અવાજે માતાને કહ્યું, મા! તારે મને પહેલેથી કહેવું જોઈએ ને કે તારે આજે ઉપવાસ છે! તારે ઉપવાસ છે એની મને ખબર હોત તો હું આ ભીખ લાવ્યો ન હોત ને!
કેમ, બેટા! તારે તો જમવાનું હોય ને!’ માએ ધીમા અને વાત્સલ્ય-છલોછલ સ્વરે કહ્યું.
દીકરો ઠાવકું મોઢું કરીને બોલ્યો, ‘મા, આજે તો એક શેઠાણીએ એમના દીકરાનો બર્થ-ડે હતો એટલે મને આગ્રહ કરી કરીને એમના ઘરે ખૂબ પ્રેમથી જમાડ્યો છે. મારું પેટ તો ભરાયેલું છે. મારે હવે જમવાનું નથી. આ ખાવાનું તો હું તારા માટે લાવ્યો છું. હવે એનું શું કરીશું?
મા સમજી ગઈ કે દીકરો ભૂખ્યો હોવા છતાં ખોટું બોલી રહ્યો છે. આજે ભીખ ઓછી મળી છે એટલે પોતે જમીને આવ્યો છે એવું બહાનું બતાવીને મને જમાડવા માગે છે. દીકરો પણ જાણતો હતો કે મા ખોટું બોલે છે અને મા પણ જાણતી હતી કે દીકરો ખોટું બોલે છે.
હું થોડેક જ છેટે ઊભો ઊભો આ આખી ઘટનાનો સાક્ષી બની રહ્યો હતો અને માતા-પુત્રનો સંવાદ સાંભળી રહ્યો હતો. મારી આંખ ભીંજાઈ ગઈ. મા-દીકરો બન્ને જણાં ખોટું બોલતાં હતાં અને છતાંય એ બન્નેમાંથી કોઈને પાપ લાગવાનું નહોતું એની મને ખાતરી હતી.
આપણે હંમેશાં સાચું બોલવાનો આગ્રહ રાખવો જોઈએ એ વાત મને મંજૂર નથી. ક્યારેક આવું ખોટું બોલવાનું સદ્ભાગ્ય પણ માણવું જોઈએ!
ભાષામાં સ્થૂળ શબ્દની કોઈ કિંમત નથી હોતી, તે શબ્દ કયા અર્થ માટે અથવા કયા મર્મ માટે પ્રયોજાયો છે એના આધારે માનવીનું ચારિત્ર પ્રગટ થતું હોય છે.
મારા સંપર્કમાં આવેલાં અનેક સાધુ-સાધ્વીજી મહારાજને મેં અવારનવાર એક સવાલ પૂછ્યો છે કે, તમને ક્યારેય તમારા સંયમી જીવનથી કંટાળો આવ્યો છે? તમને ક્યારેય તમારું સંયમી જીવન દુઃખરૂપ કે કષ્ટરૂપ લાગ્યું છે? બીજા સંસારી લોકોને અઢળક ભૌતિક સુખસાહ્યબી ભોગવતાં જોઈને શું તમને ક્યારેય તમારું સાધુજીવન છોડીને ફરીથી પાછાં સંસારી બની જવાનું મન થયું છે ખરું?
એના જવાબમાં આજ સુધી એક પણ સાધુ-સાધ્વીજી મહારાજે એવું નથી કહ્યું કે હા, અમને એકાદ વખત માટે પણ સંસારમાં પાછાં આવવાનું મન થયું છે ખરું! જોકે એક વાત ખરી કે દરેક જવાબનો રણકો મને ચોવીસ કેરેટનો નથી લાગ્યો. ક્યારેક એ રણકો બોદો પણ લાગ્યો છે અને ક્યારેક એ જવાબમાં સચ્ચાઈ અને સાતિ્ત્વકતાનું સામર્થ્ય પણ જોવા મળ્યું છે.
આવા જવાબના બે અર્થ થઈ શકેઃ
પહેલો અર્થ એ કે તેમને તેમના સંયમી અને સાધુજીવનથી ભરપૂર સંતોષ છે, એમના સંયમજીવનનો એમને અનહદ આનંદ છે અને એ જીવન તેમને કષ્ટદાયક નહિ, પણ વહાલું અને યોગ્ય લાગે છે.
બીજો અર્થ એવો પણ થઈ શકે કે તેઓ કદાચ ખોટું બોલી રહ્યાં છે. સંસારમાં પાછાં આવવાનું તેમને મન થતું હોય તોપણ એવું સ્પષ્ટપણે જાહેર કરવાનું તેમનામાં સાહસ નથી!
મને લાગે છે કે આપણે આધ્યાત્મિક જગતમાં આબોહવા જ એવી બનાવી મૂકી છે કે કોઈ પણ સાધુ કે સાધ્વીજી મહારાજને સંયમજીવન છોડીને સંસારમાં પાછાં આવવું હોય તો પણ એવું સાચું બોલવાની હિંમત જ ન કરે! એમને મનમાં હંમેશાં દહેશત રહે કે જો હું સાધુજીવન છોડીને સંસારમાં પરત જઈશ તો મારી પ્રતિષ્ઠા જોખમાશે. સંસારી જનો મને સ્વીકારશે ખરાં? અથવા સ્વીકારશે તો પણ પછીથી મારી સાથેનો એમનો વ્યવહાર કેવો હશે? વગેરે કારણે તે અનિચ્છાએ પણ પોતાના સંયમજીવનને મજબૂરીથી વળગી રહે છે.
મજબૂરી હોય ત્યાં પ્રસન્નતા ન હોય. મજબૂરી હોય ત્યાં ખેલદિલી ન હોય, ખુમારી ન હોય, ખાનદાની પણ ન હોય! આ રીતે કોઈ વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ બાબતે મજબૂર બની રહેવું પડે એવી પરિસ્થિતિ જે સમાજ પેદા કરતો હોય એ સમાજને તંદુરસ્ત સમાજ ન કહેવાય!
સંયમી બનીને પોતાનું જીવન સાદગીથી જીવવું છે કે સંસારી બનીને ભૌતિક સુવિધાઓ સાથે પોતાનું જીવન પસાર કરવું છે એનો નિર્ણય કરવા વ્યક્તિ પોતે સ્વતંત્ર હોવી જોઈએ. જ્યાં આવી સ્વતંત્રતા નથી મળતી, ત્યાં ખાનગીમાં દુરાચાર વધે છે. પછી વ્યક્તિએ બહારના આદરભર્યા ભપકાની પાછળ ભીતરની ગંદકી છુપાવીને જીવવાની ચાલાકી કરવી પડે છે. જે સમાજ ખુલ્લી ખેલદિલી સ્વીકારી નથી શકતો, તેણે આવાં અનેક ખાનગી દુરાચાર અને દૂષણોથી ચલાવી લેવું પડતું હોય છે!
બ્રહ્મચર્યની રૂપાળી ચાદર હેઠળ ભડભડતી કામલીલા અને વાસનાના ખેલ ખેલાતા રહે છે.
સ્વેચ્છાએ બે હાથે છોડેલી સંપત્તિને પછી હજાર હાથે ખાનગીમાં એકઠી કરીને કરોડોનો કારોબાર ચલાવ્યા કરે છે! આવી કોઈ ઘટના ખુલ્લી પડે છે કે મિડિયામાં કવરેજ પામે છે ત્યારે સમાજમાં થોડો હોબાળો અવશ્ય થાય છે, પરંતુ આખરે બધું સમજપૂર્વક સમેટી લેવામાં આવે છે.
સત્ય સ્વીકારવાનો આગ્રહ ખોઈ બેઠેલા સમાજની આવી જ દશા થાય ને!
સત્ય અને અસત્ય બન્ને સાપેક્ષ છે. કઈ અપેક્ષાએ સત્ય બોલાય છે અને કઈ અપેક્ષાએ અસત્ય બોલાય છે તે મહત્ત્વનું છે. સત્ય હંમેશાં પુણ્યનું પોષક નથી હોતું અને અસત્ય હંમેશાં પાપ તરફ લઈ જનારું નથી હોતું. આ વાત આવા રોમાંચક અનુભવો આપણને સમજાવે છે. માત્ર ગોખેલું કે રટી રાખેલું જ્ઞાન સાચું જ્ઞાન નથી હોતું.
હું તો હૃદયપૂર્વક ઇચ્છું છું કે જગતમાં આવા જૂઠા માણસનો સતત જયજયકાર થતો રહેવો જોઈએ અને એ જયજયકાર જ આપણને સાચા ધર્મની અનુભૂતિ કરાવશે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.