આલિયા ભટ્ટ અને કેટરીના કૈફની મિત્રતામાં તિરાડ


બોલીવુડની બે જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓ કેટરીના કૈફ અને આલિયા ભટ્ટની દોસ્તીમાં તિરાડ પડી છે. આ માટે રણબીર કપૂરના આલિયા ભટ્ટ સાથેના સંબંધો નિમિત્ત બન્યા છે. સારી સ્ક્રિપ્ટ મળે તો અમારે સાથે કામ કરવું છે એમ કહેતી બન્ને અભિનેત્રીઓ સાથે જિમમાં જતી હતી અને ફિલ્મમાં સાથે કામ કરવા માગતી હતી.
એ તો સૌ ફિલ્મી ચાહકોને ખ્યાલ છે કે એ ‘જવાની હૈ દીવાની’માં કામ કરતાં કરતાં રણબીર અને કેટરીના ખૂબ નજીક આવ્યાં હતાં. બન્ને વચ્ચે અફેર હતો અને પાંચ વર્ષ એક ફ્લેટમાં લિવ ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં. 2017ની શરૂઆતમાં બન્ને વચ્ચે બ્રેક-અપ થયો અને સલમાને ફરીથી કેટરીનાને ટેકો આપ્યો. બન્નેએ ‘ટાઇગર જીંદા હૈ’ કરી અને ફરીથી કેટરીના સફળ અભિનેત્રીઓની યાદીમાં આવી ગઈ.
દરમિયાન કરણ જોહરની ભારતીય સુપરહીરો ટ્રાયોલોજીની પહેલી કડી જેવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કામ કરે છે. બન્ને એકબીજાની નજીક આવ્યાં છે અને એવી વાતો થઈ રહી છે કે બન્ને વહેલાંમોડાં લગ્ન કરશે. આલિયા ભટ્ટે તાજેતરમાં કપૂર પરિવાર સાથે ડિનર લીધું હતું. રણબીરે ટ્વિટર પર જણાવ્યું હતું કે હું બહુ જલદી લગ્ન કરવાનો છું. આલિયા ભટ્ટે પણ મિડિયાને કહ્યું હતું કે હું મનગમતું પાત્ર મળશે તો વેળાસર લગ્ન કરીશ.
રણબીર કપૂરના અગાઉના અનેક અફેર્સને જાણતા લોકોએ તેની સાથેના અફેર અંગે આલિયાને ઘણા લોકોએ ચેતવી છે, પરંતુ આલિયા પોતાના વિચારોમાં મક્કમ છે.