આલિયા ભટ્ટનો જબરજસ્ત અભિનય દર્શાવતી ફિલ્મ ‘રાઝી’


દેશભક્તિની વાર્તા દર્શાવતી ફિલ્મ ‘રાઝી’નાં ડિરેક્ટર મેઘના ગુલઝાર છે. જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડકશન્સની આ ફિલ્મ 1971 દરમિયાન પાકિસ્તાનમાં ભારતની જાસૂસીની વાર્તા છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, રજિત કપૂર, સોની રાઝદાન જેવા કલાકારો છે.
પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં આંતરિક ગૃહયુદ્ધ-તનાવ વખતે ભારતીય લશ્કર માટે કોલેજમાં અભ્યાસ કરતી એક કાશ્મીરી યુવતી સહમત (આલિયા ભટ્ટ)ને જાસૂસ બનાવીને મોકલવામાં આવે છે. તેનાં લગ્ન પાકિસ્તાની લશ્કરમાં કામ કરતા પિતા અને બે પુત્રોના પરિવારમાં થાય છે. આ પરિવારના સહમતના પિતા સાથે જૂના સંબંધો છે. પરિવારના લોહીમાં દેશભક્તિ છે અને સહમત આ પરંપરાને આગળ વધારે છે. લગ્ન પછી તમામ અન્ય માહિતી સહિત તે પાકિસ્તાન દ્વારા હિન્દ મહાસાગરમાં તૈનાત ભારતીય યુદ્ધજહાજ આઇએનએસ વિક્રાંતનો નાશ કરવાની યોજનાની માહિતી ખાનગીમાં મોકલે છે, પરંતુ મુશ્કેલીમાં ફસાઈ જાય છે.
ફિલ્મ હરીન્દર સિક્કાના અંગ્રેજી રૂપાંતર ‘કોલિંગ સહમત’ પર આધારિત છે. સિક્કાના જણાવ્યા મુજબ તેમણે આ વાર્તા પાકિસ્તાનમાં એક ભારતીય મહિલા જાસૂસના જીવનથી પ્રેરાઈને લખી અને આમાં લખાયેલી ઘટનાઓ સાચી છે. ભવાની ઐયર અને મેઘના ગુલઝારે સ્ક્રિપ્ટ લખી છે.
ફિલ્મને આલિયા ભટ્ટનો અભિનય આકર્ષક બનાવે છે. આલિયા ભટ્ટે પોતાના ખભા પર આ આખી ફિલ્મ ઊંચકી લીધી છે અને તેની હાજરી ફિલ્મના દરેક સીનને જોવાલાયક બનાવે છે. બેટી-વહુ-પત્નીની ભૂમિકા અને જાસૂસની ભૂમિકા પણ તે ખૂબસૂરત અંદાજમાં નિભાવે છે.
આ ભૂમિકાને આલિયાની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ ભૂમિકા-અભિનય કહી શકાય. આલિયા ભટ્ટે દર્શાવ્યું છે કે તે અભિનય પણ કરી શકે છે. સહમતના પતિની ભૂમિકામાં વિક્કી કૌશલ છે. આ ફિલ્મે ફરી એક વાર દર્શાવ્યું છે કે હીરોગીરી ફક્ત હીરો જ કરતા નથી. દેશ માટે જાસૂસી કરતી સહમત દર્શકોના દિલમાં સ્થાન મેળવે છે.
લાંબા સમય પછી દેશપ્રેમનું ગીત ફિલ્મમાં આવ્યું છે જે સંવેદના જગાવે છેઃ ‘એ વતન આબાદ રહે તૂ, મૈં જહાં રહૂં જહાં મૈં યાદ રહે તૂ.’ આ ગીતને ગુલઝારે લખ્યું છે. ફિલ્મમાં શંકર-એહસાન-લોયનું સંગીત છે.
દેશપ્રેમના આ તબક્કામાં કાશ્મીર અને પાકિસ્તાનની પૃષ્ઠભૂમિ દર્શાવતી ફિલ્મમાં થ્રિલરનો રોમાંચ છે.