આર્મીમાં કોરોનાનો કેસ નોંધાતાં તમામ વોર ગેમ્સ અને ટ્રેનિંગ સ્થગિત

 

લેહઃ લદાખ સ્કાઉટ રેજિમેન્ટના ૩૪ વર્ષીય સૈનિકને લેહમાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારતીય સેનામાં પ્રથમ કેસ નોંધાયો હતો. સેનાનાં સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે લેહના ચૂહોત ગામનો રહેવાસી-સૈનિક તેના પિતાના સંપર્કમાં આવ્યો હતો, જે ૨૦ ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાના વિમાન દ્વારા ઈરાનની યાત્રાથી પરત આવ્યા હતા અને કોવિડ-૧૯ પોઝિટિવ થયા હતા. ૨૯ ફેબ્રુઆરીના રોજ લદાખ હાર્ટ ફાઉન્ડેશનમાં એકાંતવાસમાં જતાં પહેલાં સૈનિકના પિતા પરિવારના સભ્યોને મળ્યા હતા. સૈનિક ૨૫ ફેબ્રુઆરીથી રજા પર હતો અને બીજી માર્ચે ફરીથી ફરજ પર જોડાયો હતો. તેને સાત માર્ચે એકાંતવાસમાં રાખવામાં આવ્યો હતો અને ૧૬ માર્ચે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

સૈનિકના ભાઈનો પણ કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-૧૯ના બે પોઝિટિવ કેસની પુષ્ટિ કરતાં લેહ કમિશનર સેક્રેટરી (આરોગ્ય) રિગ્ઝિન સંફેલે જણાવ્યું હતું. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તેમણે એક સલાહ જારી કરી છે કે તમામ યુદ્ધ કવાયતો અને પરિષદો મુલતવી રાખવામાં આવશે. તાલીમ પ્રવૃત્તિઓ પણ આગામી હુકમો સુધી મુલતવી રાખવામાં આવી છે.