આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેકચરમાં નોબેલ ગણાતું 2018નું પ્રિટ્ઝકર પ્રાઇઝ

અમદાવાદઃ આર્કિટેક્ચરની દુનિયામાં વિખ્યાત ગુજરાતના આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચરનું નોબેલ ગણાતું 2018નું પ્રિટ્ઝકર પ્રાઇઝ મળ્યું છે. અત્યાર સુધીમાં આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર સાઉથ એશિયામાં એક પણ આર્કિટેક્ટને મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ દોશીએ પોતાની 70 વર્ષની કારકિર્દી દરમિયાન સમગ્ર વિશ્વમાં કામગીરી કરી છે અને અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. 90 વર્ષના બાલકૃષ્ણ દોશીએ ભારતમાં સસ્તા, ટકાઉ અને પર્યાવરણની દષ્ટિએ અનુકૂળ આવાસો, જાહેર સંસ્થાઓની ડિઝાઇન કરી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમણે ઇન્દોરમાં અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કરેલા 6500 આવાસોની વિદેશમાં પણ નોંધ લેવામાં આવી હતી. અમદાવાદનો ટાગોર મેમોરિયલ હોલ તેમની કુનેહનો અદ્ભુત નમૂનો છે.

બાલકૃષ્ણ દોશી ફક્ત આર્કિટેક્ટ નહિ, પરંતુ વિશ્વપ્રસિદ્ધ અર્બન ટાઉન પ્લાનર તરીકે પણ જાણીતા છે. તેઓ માને છે કે આપણે સૌપ્રથમ ગુડ આર્કિટેક્ચર વિશે વિચારવું જોઈએ. ત્યાર પછી જ અર્બનાઇઝેશન અને અર્બન ડિઝાઇનિંગની દિશામાં વિચારવું જોઈએ.

પુણેમાં ગરીબ પરિવારમાં જન્મેલા બાલકૃષ્ણ દોશીએ દેશવિદેશમાં કાર્યરત રહીને પણ અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. તેમણે 1950માં વિખ્યાત આર્કિટેક્ટ કોર્બુઝિયર સાથે કામગીરી કરી હતી. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કોર્બુઝિયરને ચંડીગઢ શહેર ડિઝાઇન કરવા ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લગભગ ત્રીજા ભાગના પ્રિટ્ઝકર પ્રાઇઝ યુરોપ અને નોર્થ અમેરિકાના આર્કિટેક્ટને મળ્યાં છે.