આયુષ્માન ખુરાના પ્રેક્ષકોના સમર્થનથી ખૂબ ખુશ છે..

0
823

     બોલીવુડના નવી પેઢીના કલાકારોમાં ચાર કલાકારો એવા છે ,  જેઓ માત્ર પોતાની પ્રતિભાના જોરે જ આગળ આવ્યા છે. ઉત્તમ અભિનય અને દર્શકોની ચાહનાએ તેમને બોલીવુડમાં વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે. આ ચાર કલાકારો છેઃ આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, વિક્કી કૌશલ અને નવાજુદી્ન સિદી્કી. આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધૂને ટિકિટબારી પર અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ એનાયત કરાયો છે. ફિલ્મ વિકી ડોનરથી પોતાની કારકિર્દીનો આરંભ કરનાર આયુષ્માન ખુરાના હંમેશા નવા વિષયોવાળી અને નાવીન્ય ધરાવતી ફિલ્મોમાં જુદા જુદા પ્રકારની ભૂમિકાઓ ભજવતા રહે છે. બરેલી કી બરફી, બધાઈ હો, દમ લગાકે હઈશા, આર્ટિકલ 15  જેવી ફિલ્મોમાં તેમણે પોતાની અભિનય પ્રતિભા સાબિત કરી છે. તેમની દરેક ફિલ્મને પ્રેક્ષકોએ આવકારી છે. હાલમાં રજૂ થયેલી તેમની કોમેડી ફિલ્મ ડ્રીમ ગર્લ ટિકિટબારી પર 140 કરોડની આવક પ્રાપ્ત કરી ચૂકી છે. પોતાની ફિલ્મને ટિકિટબારી પર સફળતા મળી, દર્શકોએ તેને આવકારી, ફિલ્મ બોકસ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હોવાની વાતથી આયુષ્માન બેહદ ખુશ છે.. આજની પેઢીના પ્રેક્ષકો નવા અને તાજગીસભર વિષયોને પસંદ કરે છે એ બાબત બોલીવુડના આજની પેઢીના કલાકાર- કસબીઓને માટે ઉત્સાહભરી અને પ્રેરક છે. ચીલાચાલુ વિષયોથી હટીને આપણી આસપાસ જીવાતા રોજિંદા જીવનમાંથી જન્મતા વિષયો લોકોના હદયને જલ્દી સ્પર્શતા હોય છે.