આયુર્વેદિક સારવાર એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા

 

નખત્રાણાઃ આયુર્વેદિક સારવાર એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે, જે ઋષિ-મુનિઓ દ્વારા મળેલી અણમોલ ભેટ છે. જેના દ્વારા જટિલ અને હઠીલા દરદોને કાબૂમાં લઈ શકાય છે. રાજ્ય સરકાર દ્વારા નખત્રાણા અને ભુજ મથકે આયુર્વેદ સારવાર-નિદાન સેવા કેન્દ્ર ઉપલબ્ધ છે. જેનો વધુમાં વધુ લાભ લેવા કચ્છ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ પારૂલબેન રમેશભાઈ કારાએ અહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર, જિ. પંચાયત ભુજ આરોગ્ય વિભાગ અને ગામના યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આયુર્વેદ તથા હોમિયોપેથી સારવાર અને નિદાનનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત-ભુજ આરોગ્ય સમિતિના ચેરમેન કરસનજી જાડેજાએ ગ્રામ્ય સ્તરે અમૃતમય યોજનાના મા કાર્ડ તેમજ ઈ-શ્રમ યોજનાના કાર્ડ મેળવી લોકોની આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. તો ડો. માકાણીએ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના ગામોમાં આવા આયુર્વેદ કેમ્પનાં આયોજન બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઉદ્ઘાટન સમારોહમાં ગામના યુવા ગ્રુપ અને નિરોણા પ્રા. આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. 

આ કેમ્પમાં ગામ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૧૫૦ જેટલા જરૂરતમંદ લોકોએ તેનો લાભ લીધો હતો. આ પ્રસંગે નખત્રાણા તાલુકા પંચાયતના શાસક નેતા રમેશભાઈ આહીર, ભાજપના યુવા અગ્રણી કિરણ ભાનુશાલી, પદ્મશ્રી અબ્દુલભાઈ ખત્રી, ડાયાભાઈ પાચાણી (પાલનપુર-સરપંચ), રણછોડભાઈ આહીર (વંગ સરપંચ), નિરોણા પ્રા. આરોગ્ય કેન્દ્રના ડો. નિકુલભાઈ ગજરા, કાનજીભાઈ ભાનુશાલી, બાળરોગ નિષ્ણાત ડો. જયંત કાપડીઆ, ગોપાલભાઈ નજાર, કુંભાજી સોઢા, નિરોણા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ચૌધરીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.