
સુપ્રીમ કોર્ટે બસપાના વડા માયાવતીને જડબેસલાક સવાલ પૂછીને આંચકો આપે એવો આદેશ કર્યો છે. માયાવતી જયારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન હતાં ત્યારે તેમણે યુપીના શહેરોમાં ઠેર ઠેર જાહેરસ્થળો પર પોતાની પ્રતિમાઓ બનાવીને તેમજ પથ્થરના મહાકાય હાથીઓ મૂક્યા હતા. તેમણે પોતાની કાંસાની પ્રતિમાઓ પણ બનાવડાવી હતી. લખનઉ, નોયડા, ગ્રેટર નોયડામાં પબ્લિક પાર્ક બનાવીને પોતાના સ્મારકો ઊભાં કર્યા હતા. તેમણે કાંશીરામ અને આંબેડકારની પ્રતિમાઓ પણ મૂકી હતી. આમ પ્રતિમાઓ અને પાર્ક પાછળ માયાવતીએ અઢળક ખર્ચ કર્યો હતો. તેમણે પ્રતિમાઓ પાછળ 685 કરોડ રૂપિયા અને પાર્ક બનાવવા માટે કુલ 5919 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. 2009માં જનહિતના મુદે્ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ તમામ નાણાં પરત કરવાને માયાવતીને આદેશ કર્યો હતો. મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે, અમને લાગે છેકે આ કેસની આગામી સુનાવણી થાય તે પહેલાં બસપાના સુપ્રીમો માયાવતીજીએ તેમણે પ્રતિમાઓ અને પાર્ક બનાવવા માટે ખર્ચેલા તમામ નાણાં પરત કરી દેવા પડશે. આ કેસની આગલી સુનાવણી 2 એપ્રિલના કરવામાં આવશે. માયાવતીના વકીલે આકેસની સુનાવણી મે મહિના બાદ કરવાની અપીલ કરી હતી, જે સર્વોચ્ચ અદાલતે માન્ય રાખી નહોતી. માયાવતીજી જયારે યુપીના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સમગ્ર યુપીના મહત્વના શહેરોમાં હાથી અને પોતાની પ્રતિમા જાહેર સ્થળો પર મૂકાવી હતી. ઉપરાંત તેમણે બાગ- બગીચાઓમાં કાંશીરામ અને બાબાસાહેબ આંબેડકરના સ્મારકો બનાવ્યા હતા. તે સમયે સમાજવાદી પાર્ટી સહિત અનેક રાજકીય પક્ષોએ એનો વિરોધ કર્યો હતો