આફ્રિકન દેશો પાસે કોરોના વિરુદ્ધની લડાઇમાં ૧૦ વેન્ટિલેટર પણ નથી

 

ન્યુ યોર્કઃ કોરોના મહામારી સામે અમેરિકા જેવા સમૃદ્ધ દેશો પણ હાર માની ચૂક્યા છે, એવામાં આફ્રિકન ગરીબ દેશોમાં પણ કોરોના વાઇરસનો વધતો પ્રકોપ એક ચિંતાનો વિષય બની રહ્યા છે. આફ્રિકા પાસે આ મહામારી સામે લડવા માટે જરૂરી મેડિકલ ઉપકરણોની પણ અછત છે. અહીં સુધી કે આફ્રિકાના ૧૦ દેશ એવા છે જેમની પાસે વેન્ટિલેટર પણ નથી.  

આફ્રિકા મહાદ્રીપમાં કોરોના વાઇરસના કેસ વધીને ૨૫ હજારને પાર પહોંચી ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર અનુમાન લગાવી રહ્યું છે કે, અહીંની ૧.૩ અબજ વસતી માટે ૭.૪ કરોડ કોરોના ટેસ્ટ કિટ અને ૩૦,૦૦૦ વેન્ટિલેટરની જરૂર પડશે. એવામા ૭૦થી વધુ દેશોએ મેડિકલ સાધન-સામગ્રીની નિકાસ પર પ્રતિબંધ લાદતા આફ્રિકન દેશોની સમસ્યામાં વધારો થયો છે. જોકે વિતેલા દસકાઓમાં આવેલી આ સૌથી મોટી મહામારી સામે આફ્રિકન દેશોને મદદે સંયુક્ત રાષ્ટ્ર આવ્યું છે. તેના દ્વારા મોટા જથ્થામાં વેન્ટિલેટર  સહિત મેડિકલ સંસાધનો ઇથોપિયા મોકલવામાં આવી રહ્યા છે, જે પછી તેનું વિતરણ અન્ય આફ્રિકન દેશોમાં જરૂરત મુજબ કરવામા આવશે. ચીનના જેક મા ફાઉન્ડેશન દ્વારા પણ મદદ મોકલવામાં આવી રહી હોવાના અહેવાલ છે.