આપ્યાં વરદાન ભગવાન પાછાં ખેંચી લે તો એ ભગવાન કેવો?

(ખટકાની જેમ યાદ આવી ગયો એ પ્રસંગ. સાલ હતી 1976ની. હું વેરાવળમાં વિજયા બેન્કમાં બ્રાન્ચ ઓપનર મેનેજર હતો એ વખતની એ ઘટના)
મારા સાઢુભાઈ નવીનચંદ્ર શુક્લ એમ બોલ્યા કે ‘આ મારો ભત્રીજો થાય. ત્યારે જ ખબર પડી કે ટીકુ એમનો ભત્રીજો થાય, ભાઈ નહિ.’ સુડતાળીસના નવીનચંદ્ર શુક્લ સત્તાવીસના લાગે અને સોળનો ટીકુ ચોવીસનો લાગે. આ બન્ને વચ્ચેના ત્રીસ વરસના ગાળાને બન્ને જણે સામસામે આવીને કાપી નાખેલો. મને આમ છેતરેલો. નવીનચંદ્રે પછી વૃદ્ધત્વમાં પગ મૂકતા સજ્જન તરફ આંગળી ચીંધીને કહ્યુંઃ ‘આ જ કલોલના પ્રખ્યાત બળવંતરાય રવિશંકર વૈદ્ય. બળવંત આયુર્વેદિક ફાર્મસીવાળા. ટીકુ એમનો સોળ વરસનો છોકરો છે, એકનો એક.’
વળી પાછી નવાઈ. આવડા મોટા, વૃદ્ધત્વની ગરવાઈથી શોભતા વૈદ્યરાજને માત્ર સોળ વરસનો છોકરો! અને એ પણ પાછો એકનો એક! સોળ વરસનો તો એમનો પૌત્ર હોઈ શકે કદાચ.
નવીનચંદ્ર આજે નવાઈઓ ભાંગવાનું કામ કરતા હતા. બોલ્યાઃ ‘એમના પાછલી ઉંમરે જન્મેલા પુત્ર પાછળ નાનકડી એવી કથા છે.’
‘કહો.’ મેં કહ્યુંઃ ‘તમે મૂળ વાર્તાકાર જીવ છો. કથા કહો.’
‘આ સંતજીવ વૈદ્યરાજ મોટા શિવભક્ત છે. એમની ધોમધખતી પ્રેક્ટિસમાં પણ પચાસ સાઠ ટકા દર્દીઓને મફત દવા આપે. કોઈનું મોં વીલું જુએ અને ખિસ્સાની મૂંઝવણ ચહેરા ઉપર પથરાતી જુએ કે તરત જ સામાને સ્વમાન ભંગ ન થાય એ રીતે બિલ ઓછું કરી નાખે. કહે, અરે ભાઈ, બિલ બનાવવામાં મારી ભૂલ થઈ. તમારું બિલ બાસઠ નહિ, બાવીસ રૂપિયા થાય છે. મારા હાથ અને આંખનું ચોર-પોલીસ જેવું છે. હાથ ભૂલ કરે તો તરત જ આંખ પકડી પાડે.’
‘એમની આ નામના મેં સાંભળી છે,’ મેં કહ્યુંઃ ‘એમની શિવભક્તિની વાત મારે સાંભળવી છે.’
‘કલોલથી ચાર કિલોમીટર દૂર વાડીનાથ મહાદેવની વગડા જેવી જગ્યા હતી. એ જગ્યાને વિકસાવવામાં બળવંતરાય વૈદ્યનો અનન્ય ફાળો. ગમે તેવા ટાઢ તડકો વરસાદમાં પણ દર સોમવારે પૂજા કરવાનું ચૂકે નહિ.’
વૈદ્યરાજ બળવંતરાય એમનાથી ઊંચા પહોળા સોળ વરસના પુત્ર ટીકુ સાથે કશીક ગુફ્તગૂમાં ગૂંથાયા હતા. એમને એમની પ્રશસ્તિની પડી નહોતી.
‘વર્ષો પહેલાં એમને ત્યાં એક પુત્રી થયેલી, જે અપંગ હતી. પુત્ર થતા હતા, પણ ઊછરતા નહોતા. શિવભક્તમાં શિવની પ્રકૃતિ ઊતરે છે. તપની અને અડગતાની. એમણે શિવ પાસે પુત્ર માગ્યો ને માનતા માની કે પુત્ર થશે અને ઊછરશે તો જ્યાં સુધી સોમનાથ મહાદેવે એ પુત્રની ભારોભાર ગોળની તુલા નહિ કરાવે ત્યાં સુધી એ પુત્રનું નામ નહિ પાડે. આ માનતા પછી એમનું જીવન વધુ ત્યાગી અને તપસ્વી બન્યું. કર્તવ્યની ભાવના ભગવાન શિવને અર્પણ થતી ગઈ ને ખરેખર એમને ત્યાં આ પુત્રનો જન્મ થયો. આજથી સોળ વર્ષ પહેલાં. સુંદર મજાનું નામ શિવપ્રસાદ જેવું પાડી શકત, પણ સોમનાથ જઈને ગોળની તુલા ન થાય ત્યાં સુધી નામ ન આપી શકાય. ઓળખ માટે માત્ર ટીકુ જ કહેવાનું ચાલુ કર્યું.’
‘પણ પછી તરત જ માનતા પૂરી કેમ ના કરી?’ મને નવાઈ લાગી.
મારી આ નવાઈ નવીનચંદ્ર ન ભાંગી શક્યા. એ બોલ્યાઃ ‘યાદ કરવા જઈએ તો કોઈ કારણો મને યાદ નથી આવતાં, પણ એટલું ચોક્કસ છે કે કોઈ ને કોઈ નિમિત્તે સોમનાથ જવાનું પાછું ઠેલાતું ગયું. ક્યારેક કોઈ પ્રતિકૂળતા, ક્યારેક કોઈ, ક્યારેક ગાડીમાં બેસી ગયા પછી ઊતરી જવાનું બન્યું. ક્યારેક ભારે વરસાદને કારણે પુલ તૂટી જવાનું બન્યું. અને પાછા ફરવાનું બન્યું. ક્યારેક કોઈ આવરણ. ક્યારેક કોઈ અવરોધ અને આમ ને આમ સોળ વરસ વીતી ગયાં.’
‘અને આજે?’
‘આજે એ માનતા પરિપૂર્ણ થઈ છે.’ એ બોલ્યાઃ ‘સોમનાથની સન્મુખ ટીકુની ગોળતુલા કરી. એના ભારોભાર ગોળ ગરીબોને વહેંચ્યો. શિવલિંગને અભિષેક કર્યો. અત્યારે બે કલાક પહેલાં જ આ બધું પતાવ્યું અને સીધા તમારી પાસે આવ્યા છીએ.’
ટીકુ સામે મારી આંખ મળી. એ નજીક આવ્યો અને ગોળ જેવી જ મીઠી નજરે મારું અભિવાદન કર્યું.
‘ભલે જુનવાણી લાગે.’ મેં કહ્યુંઃ ‘પણ આનું નામ શિવપ્રસાદ પાડો અને કાં પાડો આશુતોષ.’
‘અહીંથી આપણે ચોરવાડ જઈએ.’ બળવંતરાય બોલ્યાઃ ‘ટીકુની ઇચ્છા પણ ચોરવાડ જવાની છે.’
અમે ચોરવાડ જઈ આવ્યા. ત્રણ કલાકમાં પાછા આવી ગયા. મોટરની બારીના કાચમાંથી દેખાતા આથમતા લાલ સૂર્યને જોઈને ટીકુએ એના વિશાળ ખભા ઉપરથી મસ્તક નમાવીને પ્રણામ કર્યા. મેં અને નવીનચંદ્રે પરસ્પર સામે જોયું.
આવીને વેરાવળની ભેજવાળી હવામાં તંદુરસ્તી કેમ ટકાવી શકાય એની સલાહો બળવંતરાય મને આપતા હતા. એવામાં જ ટીકુ અમારી નજીક આવ્યો. એના ચહેરા પર થોડી પીડા હતી.
‘શું છે બેટા?’ બળવંતરાય બોલ્યા,
‘જરી પેટમાં દુઃખે છે.’
નાસ્તો વધારે પડતો થઈ ગયો હશે. કોઈએ મજાક કરી. મજાક પર એ પણ હસ્યો. બળવંતરાય ન હસ્યા. એમણે બગલથેલામાંથી બે પડીકી કાઢી ટીકુને આપી. એણે લીધી. ‘મને જમવાની ઇચ્છા નથી.’ એ બોલ્યો.
બોલ્યા, ‘કઈ નહિ, દીકરા! સૂઈ જા, આરામ કર.’
‘માગ્યાં વરદાન માણસોને મળે છે.’ એ રાત્રે મને ખુલ્લા આકાશ તરફ જોતાં જોતાં વિચાર આવ્યો. બાજુમાં સૂતેલા નવીનચંદ્રના કાનમાં મેં આ વાત કરી. એ બોલ્યાઃ ‘જે પોતાના કર્તવ્યની લગામ ઈશ્વરના હાથમાં જ સોંપી દે એમને. બીજાને નહિ.’
સવારે ટીકુ ઊઠીને સૂર્યનમસ્કાર કરતો હતો. મેં હસીને પૂછ્યુંઃ ‘હવે તો તારી ગોળની તુલા થઈ ગઈ. તને અમારે કયા નામે બોલાવવાનો?’
એ ફરી મીઠું હસ્યો. શનિવારે સવારે વેરાવળથી નીકળીને એ લોકો રાજકોટ અને ત્યાંથી કલોલ પહોંચ્યા. નવીનચંદ્ર અમદાવાદ પોતાને ઘેર ઊતરી ગયા હશે અને ટીકુ અને તેના પિતા શનિવારે સાંજે જ કલોલ પહોંચી ગયા હશે. ટીકુનું નવું નામકરણ કરવાની તૈયારીઓ થઈ હશે. ફઈબાને બોલાવ્યાં હશે, પણ રવિવારે સવારે ટીકુ બેચેન બની ગયો. પેટમાંથી માંદગી પ્રગટીને શરીરના અંગેઅંગમાં ફેલાઈ. ચહેરો મ્લાન બની ગયો. શરીર ઠંડું પડતું ગયું. હજારો માણસોને વગર ફીએ સાજા કરનારા ધન્વંતરી જેવા બળવંતરાય વૈદ્યની પડીકીઓ પણ કારગત ના નીવડી. ટીકુના શરીરના સાંધેસાંધા ખેંચાવા માંડ્યા.
કોઈએ કહ્યું કે એને અમદાવાદ લઈ જાઓ.
રવિવારે રાતે-મોડી રાતે નવીનચંદ્રના ઘેર ટેલિફોનની ઘંટડી રણકીઃ ‘ટીકુને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જલદી આવો.’ નવીનચંદ્ર શુક્લ અને તેમનાં પત્ની યશોધરાબહેન મારમાર કરતાં હોસ્પિટલે પહોંચ્યાં. ટીકુને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયો હતો. ટીકુની આંખો વારંવાર ખૂલતી હતી, બંધ થતી હતી. એ જરા સ્વસ્થ થતો હતો કે તરત જ પિતા બળવંતરાયના મોં સામે જોઈ લેતો હતો. બે દિવસની વધેલી દાઢીવાળા વૈદ્યરાજ બીજાની જેમ રડતા નહોતા. પીઠ પાછળ બન્ને હાથ ટેકવીને ભીંતના ટેકે ઊભા હતા અને મોંએથી અશ્રાવ્ય એવો શિવ શિવનો જાપ કરતા હતા.
‘રોકાઈ જા તો સારું, બેટા…’ અચાનક એક વાર-માત્ર એક જ વાર એમનાથી બોલાઈ જવાયું, પણ ફરી કંઈ ગુનો થઈ ગયો હોય એમ એ ચૂપ થઈ ગયા. ફરી જાણે જાતમાંથી જાતને ખેંચી લીધી. પુત્રની થતી સારવાર જોઈ રહ્યા અને એને ઓશીકે આવીને બેસી ગયા. સોમવારની સવાર પડી એટલે એમને એમના કલોલવાળા વાડીનાથ મહાદેવની પૂજા સાંભરી. પત્ની, નવીનચંદ્ર, બીજાં સગાં-વહાલાંઓ તરફ જોઈને બોલ્યાઃ ‘આટલાં વરસમાં ક્યારેય પૂજા ચૂક્યો નથી. આજે પણ મને જવા દો.’
‘પણ આ ટીકુ…’ એમનાં પત્ની ગળે ડૂમો અટકાવીને બોલ્યાં.
‘આપણે પ્રયત્ન કરો. પછી શિવને જેમ કરવું હોય તેમ કરે.’
એ કલોલ ગયા. ત્યાંથી ચાર માઈલ દૂર સાઇકલ લઈને પૂજા કરવા ગયા. પાછા આવ્યા. મોટરસાઇકલ લઈને અમદાવાદ આવ્યા ત્યારે ટીકુનો શ્વાસ હજી ચાલુ હતો. બાપને દાખલ થતાં જોઈને એણે મોં મલકાવ્યું. પિતા-પુત્રે જાણે કે અંદરોઅંદર ક્શીક સંતલસ કરી લીધી.
મંગળવારે સવારે ટીકુએ દેહ છોડ્યો.
કલોલ લવાયેલા એના દેહની સ્મશાનયાત્રામાં હજારો માણસોએ ભાગ લીધો. કલોલના રસ્તા માણસોથી ઊભરાઈ રહ્યા. સૌ હીબકાં ભરતા હતા. મરનારની માતા તો ભાંગી જ પડી હતી. જીવ નીકળી જવો જ બાકી રહ્યો હતો, પણ બળવંતરાય વૈદ્યના ચહેરા ઉપર નિશ્ચલતાનો ભાવ હતો. વરસી રહ્યા પછી આકાશ જેવું સ્વચ્છ થઈ જાય એવો એમનો ચહેરો હતો.
કોઈએ એમને એ પછી કહ્યુંઃ ‘માનતાથી જન્મેલાં સંતાનો કદી લાંબું જીવતાં નથી.’
‘સોળ વરસ પણ જો ભગવાને આપ્યાં હોય તો એને ટૂંકો સમય ન કહેવાય.’ એ બોલ્યા.
‘વૈદ્યરાજ, તમે એનું નામ નહિ પાડવાની બાધા રાખી હતી, પણ એને ટીકુના નામે બોલાવીને એ બાધાનો ભંગ કર્યો હતો.’
‘ભગવાન પોલીસ નથી.’ એ બોલ્યાઃ ‘શિવ તો દયાસાગર છે.’
‘બળવંતરાય…’ કેટલાંક સગાંવહાલાંઓ બોલ્યાંઃ તમે એની ગોળની તુલા કરાવી ત્યાં સુધી જ એ જીવવાનો હતો. શા માટે આટલી જલદી તમે એની તુલા કરાવી?’
‘પરમાત્મા પાસેથી વર્ષો માગી શકાય.’ એ બોલ્યા, ‘એને છેતરીને એની પાસેથી પડાવી ન શકાય.’
‘ભગવાન શિવ ઉપરથી તમારી શ્રદ્ધા આ બનાવના કારણે ડગી નથી જતી? કે જે તમને આપીને પાછું છીનવી લે છે?’
‘ભગવાન ઉપર મારી શ્રદ્ધા વધુ દઢ બની છે.’ એ બોલ્યાઃ ‘એણે એના હોવાની મને ખાતરી કરાવી દીધી છે. પરોક્ષ દર્શન આપ્યાં હોય એમ ગણું છું.’
એક વાર નવીનચંદ્રને મેં કહ્યુંઃ ‘માગ્યાં વરદાન પાછાં છીનવાઈ જવાને લીધે માણસના દિલને વધારે કારમો ઘા નહિ પહોંચતો હોય?’
નવીનચંદ્રે કહ્યુંઃ ‘પોતાનું કર્તૃત્વ જે પોતાની પાસે જ રાખે છે એમના માટે એવું હશે. ઈશ્વરને સોંપાઈ ગયેલા માણસને માટે નહિ.’

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.