આપણો દેશ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય પર કામ કરી રહ્યો છેઃ વડાપ્રધાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​17માં ભારતીય સહકારી કોંગ્રેસ સંમેલનને સંબોધન કર્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમ દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાયો હતો. 2 જુલાઈના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલા મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે NCUI હાટ, સહકારી ઉત્પાદનો અને સહકારી વિસ્તરણ અને પરામર્શ સેવા પોર્ટલ માટે એક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે આજે આપણો દેશ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે. મેં આ વિશે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આપણા દરેક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દરેક પ્રયત્નો કરવા જરૂરી છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે જ્યારે વિકસિત ભારત માટે મોટા લક્ષ્યોની વાત આવી ત્યારે અમે સહકારી સંસ્થાઓને વધુ તાકાત આપવાનું નક્કી કર્યું. પ્રથમ વખત, અમે સહકારી માટે અલગ મંત્રાલય બનાવ્યું, અલગ બજેટની જોગવાઈ કરી. આજે, કો-ઓપરેટિવને કોર્પોરેટ સેક્ટર માટે ઉપલબ્ધ છે તેવી જ સુવિધાઓ અને પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યા છે. સહકારી મંડળીઓની તાકાત વધારવા માટે તેમના માટે ટેક્સના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
સહકારી ક્ષેત્રને લગતા પ્રશ્નો જે વર્ષોથી પેન્ડીંગ હતા તેનો ઝડપથી ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. અમારી સરકારે સહકારી બેંકોને પણ મજબૂત કરી છે. છેલ્લા 9 વર્ષમાં આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે કરોડો નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ મળી રહી છે. કોઈ વચેટિયા નથી, કોઈ બોગસ લાભાર્થીઓ નથી.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ અને ખેડૂતો પર 6.5 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી છે. કેન્દ્ર સરકાર દરેક ખેડૂતને કોઈને કોઈ સ્વરૂપે વાર્ષિક સરેરાશ 50,000 રૂપિયા આપી રહી છે. આ રકમથી ખેડૂતને અનેક રીતે ફાયદો થઈ રહ્યો છે. આ સાથે શાહુકારો અને વચેટિયાઓથી ખેડૂતો બચી રહ્યા છે.
આજે, કો-ઓપરેટિવને કોર્પોરેટ સેક્ટર માટે ઉપલબ્ધ છે તેવી જ સુવિધાઓ અને પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યા છે. સહકારી મંડળીઓની તાકાત વધારવા માટે તેમના માટે ટેક્સના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દેશમાં સહકારી ચળવળને પ્રોત્સાહન આપવા માટે સતત પગલાં લઈ રહી છે. આ પ્રયાસને મજબૂત કરવા માટે, સરકાર દ્વારા એક અલગ સહકારી મંત્રાલય બનાવવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું આજે કેન્દ્ર સરકારના તમામ મિશનને સફળ બનાવવા માટે સહકારી સંસ્થાઓની ક્ષમતા પર મને કોઈ શંકા નથી. સ્વાતંત્ર્ય ચળવળમાં સહકારી સંસ્થાઓએ પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. મેં અપીલ કરી છે કે આઝાદીના 75 વર્ષ નિમિત્તે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં આવે. એક વર્ષથી પણ ઓછા સમયમાં દેશભરમાં લગભગ 60 હજાર અમૃત સરોવર બનાવવામાં આવ્યા છે.
છેલ્લા 9 વર્ષમાં સિંચાઈ હોય કે પીવાનું પાણી, અમે તેને ઘર-ઘર, ખેતરથી ખેતર સુધી પહોંચાડવા માટે ઘણા કામ કર્યા છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતો અને અમારા પશુઓ માટે પાણીની અછત ન હોવી જોઈએ. તેથી જ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ પણ આ પવિત્ર અભિયાનમાં જોડાવું જોઈએ. વધુ પાણી, વધુ પાકની ખાતરી આપતું નથી. દરેક ગામમાં સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર કરવા માટે સહકારી મંડળીઓએ પણ તેમની ભૂમિકાને વિસ્તારવી પડશે.
17મી ભારતીય સહકારી કોંગ્રેસનું આયોજન કરવાનો ઉદ્દેશ સહકારી ચળવળના વિવિધ પ્રવાહો, પડકારોનો સામનો કરવો અને ભારતમાં સહકારી ચળવળના વિકાસ માટે ભવિષ્ય માટે તૈયારી કરવાનો છે.
‘વાયબ્રન્ટ ઈન્ડિયા માટે સહયોગ દ્વારા સમૃદ્ધિ’ થીમ પર સાત ટેકનિકલ સત્રો પણ યોજાશે. જેમાં રાષ્ટ્રીય સ્તરની સહકારી મંડળીઓ, આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 3600થી વધુ લોકો ભાગ લેશે.