આનું નામ સામાજિક નિસ્બત : કોરોના જંગમાં ઉદ્યોગપતિઓનું કરોડોનું દાન

 

નવી દિલ્હીઃ કોરોના મહાઆફત સામે આખો ભારત દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે તાતા ટ્રસ્ટ દ્વારા પ૦૦ કરોડ અને તાતા સન્સ દ્વારા ૧૦૦૦ કરોડના યોગદાનની ઘોષણા કરવામાં આવી છે. આમ કુલ મળીને ૧પ૦૦ કરોડ તાતા તરફથી કોરોના સંકટની લડાઈ માટે આપવામાં આવ્યા છે. તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતા દ્વારા પ૦૦ કરોડનાં દાનની જાહેરાત કરતાં નિવેદનમાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ કટોકટી આપણી સામેનો સૌથી કપરો પડકાર છે અને આપણે તેનો મુકાબલો સમય સાથે રેસની જેમ કરવાનો છે. તાતા ટ્રસ્ટ અને તાતા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા ભૂતકાળમાં પણ દેશને જરૂર પડી છે ત્યારે યોગદાન આપવામાં આવતું રહ્યું છે. અત્યારે દેશને જે જરૂરિયાત છે તેવી અગાઉ ક્યારેય નહોતી અને અત્યારે જ દેશ માટે કંઈક કરવાનો સમય છે. તાતા દ્વારા આ રકમ કોરોના સામે લડતા તબીબીકર્મીઓની સુરક્ષા માટેનાં ઉપકરણો, શ્વસન સંબંધિત ઉપકરણો માટે, ટેસ્ટિંગ કિટની ઉપલબ્ધતા વધારવા માટે, સારવારની સુવિધાઓ ઉભી કરવાં કોરોનાવીરોની તાલીમ અને જાગૃતિ માટે ખર્ચ કરવામાં આવશે.

દેશના અગ્રણી ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીની વિપ્રો કંપનીએ કોરોના સામે લડવા માટે ૧૧૨૫ કરોડ ખર્ચવાની જાહેરાત કરી છે. કંપની ૧૬૦૦ કર્મચારીઓની ટીમ બનાવશે અને કોરોના સામે દેશવ્યાપી લડત આપશે. 

એનઆરઆઈ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે પણ કોરોના સામેની લડતમાં પીએમ કેર્સ ફંડમાં ૧૦૦ કરોડ આપવાની સાથે દરરોજ પાંચ હજાર લોકોને ખોરાક આપવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ભારતના ૩૦ હજાર લોકો સુધી આ ફૂડ કિટ પણ પહોંચાડશે. લક્ષ્મી મિત્તલની વિવિધ કંપનીઓમાંથી આ રકમ એકત્ર કરાશે એવું એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.

સોશિયલ મીડિયા કંપની ટિકટોક પણ ભારતમાં ૧૦૦ કરોડનું દાન આપશે. ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ માટે સાધનોની અછત છે ત્યારે કંપની તેમના માટે માસ્ક અને તે સિવાયના તેમને કોરોનાથી બચાવતા સાધનો આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here