આધુનિક અગ્નિ-પી મિસાઇલનું સફળ પરીક્ષણ

 

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ અૅન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ સોમવારે અણુશસ્ત્ર લઇ જઇ શકે એવી આધુનિક બેલિસ્ટિક અગ્નિ-પી (પ્રાઇમ) મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

ડીઆરડીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગ્નિ-પી મિસાઇલ ૧૦૦૦થી ૨૦૦૦ કિ. મી. સુધીની રેન્જની ક્ષમતાવાળી અગ્નિ મિસાઇલનું નવા યુગનું આધુનિક સંસ્કરણ છે. ઓડિસાના બાલાસોરમાં આવેલા ડો. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ સોમવારે સવારે ૧૦.૫૫ વાગ્યે કરવામાં આવ્યું હતું. પૂર્વના કાંઠે વિવિધ ઠેકાણે આવેલા રડાર સ્ટેશનોએ મિસાઇલને ટ્રેક કરી હતી. મિસાઇલ પૂર્વનિયોજિત પથ પર આગળ વધી હતી અને ઉચ્ચસ્તરિય ચોકસાઇથી મિશનના બધા જ તબક્કા સફળતાપૂર્વક પૂરા કર્યા હતા. ડીઆરડીઓને મિસાઇલના સફળ પરીક્ષણ બદલ ધન્યવાદ આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ મિસાઇલમાં અનેક અત્યંત આધુનિક પ્રણાલીઓનો સમાવેશ કરાયો છે. અગ્નિ-પી મિસાઇલ ભારતની મારક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.