આધાર વગરનાં અનુમાનોથી કોઈકને માપવાનું કામ જાણેઅજાણે સંબંધોને અમાનવીય બનાવે છે

0
968

તમને કદાચ એ માણસની સાચી હકીકતની ખબર નથી… ગલીના નાકે મિત્રોની મંડળી જામી હતી. એમાં હમણાં જ નવાસવા રહેવા આવેલા આગંતુકની વાત થઈ રહી હતી. એ મહાનુભાવે આવતાંવેંત જ આખી સોસાયટીમાં પોતાની આગવી રીતભાતથી હલચલ ઊભી કરી હતી. તેમના માટે સ્વાભાવિકપણે દરેક વ્યક્તિના મનમાં કુતૂહલ હતું. એમનાં વખાણ સાંભળીને ખૂણામાંથી એક જણે ઉપર મુજબનાં ઉચ્ચારણો થકી મક્કમ પ્રતિકાર કર્યો હતો. તમામ સાચી હકીકત જાણવા આતુરતાપૂર્વક પ્રતિકાર કરનારની સામે જોઈ રહ્યા હતા.
‘કેમ એવું વળી શું છે?’
એકસામટા પ્રશ્નો થયા. ‘તમને બધાને ખબર નથી, એ ભાઈને કોઈ નોકરી-ધંધો નથી, માત્ર લોકોની સાથે બનાવટ અને છેતરપિંડી ઉપર જ નભે છે…’
‘હોય નહિ… શું વાત કરો છો?’ સાંભળનાર તમામ સ્તબ્ધ થઈ ગયા હતા.
ચર્ચા આગળ પણ ચાલી. નવા આવનાર ભાઈનું બાહ્યવર્તન, રીતભાત કે રહેણીકરણી કોઈ રીતે વાંધાજનક નહોતાં. વળી તે પોતાના પરિવાર સાથે અહીં રહેતા હતા. એમની સાથે આટલા ટૂંકા ગાળામાં કોઈને પણ કોઈ પ્રકારનો ખરાબ અનુભવ થયાનું પણ બન્યું નહોતું. ટીકા કરનાર ભાઈ સાથે ચર્ચા થતાં એમની પાસે પણ એમની વાતના સમર્થનનાં કોઈ નક્કર કારણો નહોતાં… ઊલટાનું એમણે છૂટી પડતાં કહ્યું, ‘મારા એક-બે ઓળખીતા આવું કહેતા હતા…’
આવા આધાર ઉપર એમણે શંકા ઉઠાવી હતી અને જાહેરમાં એક અજાણ્યા માણસને કારણ વગર અડફેટે લેવાનું કામ કર્યું હતું. તમામ હકીકતો જોતાં એક વાત નક્કી થઈ જતી હતી કે ટીકા કરનાર પાસે કોઈ આધાર પુરાવા નહોતા. એમણે આજુબાજુમાં જે વાતો ચાલી રહી હતી એને પકડીને બિલકુલ હવામાં કહી શકાય એવી વાત ચલાવી હતી. એમણે સાંભળેલી વાતો કે કાનાફૂસી તદ્દન ગપગોળા જ હશે એવું પણ ના કહી શકાય, પરંતુ જે રીતે એમણે જાહેરમાં કોઈક માણસની ઇમેજને ઉઝરડા મારવાનું કામ કર્યું હતું એમાં ધીરજ અને વિષયમાં ઊંડા ઊતરવાની બાબતનો અભાવ હતો એમ કહી શકાય.
આપણે ત્યાં આવા પ્રકારની વાતચીત કે કોઈકનું જાહેર ઓડિટ કરવું આમ જોઈએ તો સામાન્ય બાબત ગણાય છે. ઘણી વખત આપણે સૌ કારણ વગર જગતના ન્યાયાધીશ બની જઈએ છીએ. કોઈક બાબતે અભિપ્રાય આપી દેવો કે કોઈક માટે ટીકાત્મક ટિપ્પણીઓ કરવામાં જાણે આપણે કશું જ ગુમાવવાનું ન હોય એવું આપણું વર્તન હોય છે. જગત કાજી બનવાની આ પ્રવૃત્તિ કેટલી વાહિયાત છે તેનું સુંદર બયાન બાલાશંકર કંથારિયાની આ પંક્તિમાં થયું છેઃ
‘કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જગત કાજી બનીને તું નકામી ના પીડા લ્હેજે.’
આવી સ્પષ્ટ શિખામણ અને વડીલોએ સ્પષ્ટ આદેશ આપ્યો હોય કે ‘પારકી પંચાતમાં પડવું નહિ’ છતાં પણ સૌ કોઈ જાહેર ચર્ચામાં ભાગ લેવા સદાય તત્પર હોય છે. એને માનવમનની નબળાઈ ગણીએ કે આપણું નિર્દોષ કુતૂહલ એ ઘણી વાર નક્કી કરવું મુશ્કેલ હોય છે.
આવા ઘટનાક્રમમાં તમામ વખતે એવું પણ નથી હોતું કે કોઈક ચોક્કસ વ્યક્તિને નિશાન બનાવીને ટીકા કરાય છે. ઊલટાનું ઘણી વાર એવું પણ બને છે કે આપણે જેનું નામ પણ ના સાંભળ્યું હોય અથવા તો જે બાબતને આપણી રોજિંદી જિંદગી સાથે તલભાર પણ લેવાદેવા ના હોય એવી બાબતોમાં પણ માણસ કારણ વગર પોતાનાં મંતવ્યો રજૂ કરી દેતો હોય છે. આવી પ્રકૃતિ મોટા ભાગે હેતુવિહીન કે ટોળટપ્પા કરવા પ્રકારની હોય છે. એમાં ક્યારેક માત્ર સમય પસાર કરવાની કે પછી પોતે પણ કંઈક જાણે છે એવું મહત્ત્વ પ્રસ્થાપિત કરવાની એષણા પણ કારણભૂત હોય છે. આ બધું ઘણી વાર સ્વાભાવિક ત્યારે ગણી શકાય કે જ્યારે આપણા વિધાનથી કે આપણા તારણ થકી નિશાન બનનાર વ્યક્તિને કોઈ મોટું નુકસાન કે બદનામી ના થતાં હોય. સામાન્યતઃ આવા પ્રકારની વાતચીત આમ જોઈએ તો જિંદગીના એક નિર્દોષ હિસ્સા તરીકે ગણી લેવામાં આવતી હોય છે, પરંતુ આવી બાબતે સહેજ બેજવાબદારી કોઈકના માટે ખતરનાક સાબિત થઈ શકે છે એ ભેદરેખા પણ જાણી લેવી એટલી જ જરૂરી હોય છે! એક જવાબદાર વ્યક્તિ તરીકે અથવા તો સંવેદનશીલ માણસ તરીકે બીજી વ્યક્તિ અથવા તો વિરોધી વિચારનું સમ્યક રીતે દર્શન કરવું કે એનું આકલન કરવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. આપણા યંત્રવત્ ઘટનાક્રમમાં ઘણી વાર ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ જેવો જડ વ્યવહાર પ્રધાનપણે થઈ જતો હોય છે. કોઈકની ટીકા, કોઈકના માટેનું અનુમાન કે ઊડતી વાત કે ઘણી વખત તો બિલકુલ અફવા પણ હોય. આ બધાને આપણે મંજૂરીની મહોર મારી દેતા હોઈએ છીએ. આવી બાબતને બીજા દષ્ટિકોણથી જોવાનું કે તેના મૂળ સુધી જવાની ધીરજ ભાગ્યે જ કોઈનામાં જોવા મળે છે. હકીકતમાં તો આવા સમયે વ્યક્તિમાં તટસ્થતાના ભાવો હોવા જરૂરી છે અને ત્યાર બાદ જે તે બાબત માટે ન્યાયિક જાણકારી કે આધારો જાણવાની ઉદારતા હોવી આવશ્યક ગણી શકાય. જ્યાં સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા ના મળે ત્યાં સુધી સમજદાર માણસે ચૂપ રહેવું એ વધારે ડહાપણભર્યું ગણી શકાય, પરંતુ વ્યવહારમાં આવું જવલ્લે જ બનતું જોવા મળે છે. ઘણી વાર તો ‘ડાહ્યા માણસો જ્યાં મૌન રહેવાનું પસંદ કરે છે ત્યાં મૂર્ખાઓ વેગથી ધસી જાય છે!’ એ મુજબ થતું જોવા મળે છે.
અલબત્ત, આ બધી ચર્ચામાં મોટા ભાગે તો ‘ખાધું પીધું ને રાજ કર્યું’ એવું નિર્દોષ કે પરંપરાગત સમાપન જ થતું હોય છે. આમાં મોટા ભાગે કોઈને પણ હાનિ પહોંચાડવાનો કે નુકસાન કરવાનો હેતુ પણ હોતો નથી. આમ છતાં કોઈ પણ જાતના આધાર વગરની કે મૂળિયાં વગરની વાતો ઉપર થતું પિષ્ટપેષણ ઘણી વાર માનવસંબંધોને દૂષિત કરી જાય છે, એ ભયસ્થાનને પણ સતત ધ્યાને રાખવું જરૂરી હોય છે!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here