આધારકાર્ડ અંગે  સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ આધારકાર્ડની  બંધારણીય કાયદેસરતાનો સ્વીકાર કરવામાં આવ્યો, પણ કેટલીક સેવાઓમાં તેની અનિવાર્યતા રદ કરવામાં આવી..

0
1069

દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે 26મી સપ્ટેમ્બરે આપેલા આધારકાર્ડ વિષયક ચુકાદામાં અદાલતે સરકારની મહત્વાકાંક્ષી  આધારકાર્ડ યોજનાને બંધારણીય રીતે યોગ્ય અને સમતોલ ગણાવીને એમની કાયદેસરતાને યોગ્ય ઠેરવી હતી. પરંતુ એમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા હતા. બેન્કમાં ખાતુ  ખોલવા, મોબાઈલ કનેકશન માટે તેમજ શાળામાં બાળકો માટે એડમિશન લેવા વગેરે માટે આધાર કાર્ડની અનિવાર્યતા હોવાના મુદા્ને અસ્વીકૃત ગણીને રદ કરાયો, તેમજ આધારકાર્ડની આવશ્યકતાના ક્ષેત્રને મર્યાદિત કરી દેવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળ રચવામાં આવેલી પાંચ ન્યાયાધીશોની  બંધારણીય ખંડપીઠે ચાર વિરુધ્ધ એકની બહુમતીથી આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડ વિષયક કાનૂનમાં એવું કશું પણ નથીકે જેને કારણે વ્યક્તિની અંગતતાના અધિકારનું હનન થાય.આવકવેરાનું રિટર્ન ભરવા માટે તેમજ પેન કાર્ડની સંખ્યા નિશ્ચિત કરવા માટે આધારકાર્ડ અનિવાર્ય રહેશે. બંધારણીય ખંડપીઠે આધાર કાનૂન, 2016ની 57મી કલમને રદ કરી હતી. ન્યાયાધીશ એ કે સીકરી, ન્યાયાધીશ  એ એમ ખાનવિલકર તેમજ વડા ન્યાયાધીશ દીપક મિશ્રાએ મળીને મુખ્ય ચુકાદો સંભળાવ્યો હતો, જયારે ન્યાયાધીશ અશોક ભૂષણે બહુમતીના ચુકાદા સાથે સંમત થયા હતા. જોકે બહુમતીના ચુકાદા સાથે અસહમતિ વ્યક્ત કરનારા ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચુડે પોતાનો અલગ ચુકાદો રજૂ કર્યો હતો. ન્યાયાધીશ ચંદ્રચુડે એમના ચુકાદામાં કહયું હતું કે, આધાર કાનૂનને ધન વિધેયક તરીકે પસાર ન કરવો જોઈએ, કારણ કે એમ કરવું એ બંધારણ સાથે છેતરપિંડી કરવા સમાન છે. પરંતુ બહુમતી દ્વારા આપાયેલા ચુકાદામાં લોકસભા દ્વારા ધન વિધેયક તરીકે પસાર કરાયેલા આધાર કાનૂનને યોગ્ય ઠેરવવામાં આવ્યું છે. ખંડપીઠે પોતાના ચુકાદામાં કહયું હતું કે, આધાર યોજનાનું લક્ષ્ય કલ્યાણકારી યોજનાઓને સમાજના વંચિત વગૅ સુધી પહોચાડવાનું છે. આ યોજના માત્ર વ્યક્તિગત રીતે જ નહિ, પરંતુ સમગ્ર સમુદાયના દ્રષ્ટિકોણથી પણ લોકોનું સન્માન જળવાય તેનો ખ્યાલ રાખે છે. આધાર યોજના જનહિતનું વિસ્તૃત કાર્ય કરી રહી છે.

 

  સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં આધાર કાનૂનની ધારા 33(2)ની જોગવાઈને પણઁ રદ કરી હતી. જેની અંતર્ગત, રાષ્ટ્રીય સુરક્ષાના આધારે  આ યોજનાની અંતર્ગત, વ્યક્તિગત ડેટા એકત્ર કરવાની અનુમતિ આપતી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, આધાર યોજના સમાજના વંચિત વર્ગને સશક્ત બનાવે છે ,,તેમને તેમની  ઓળખ આપે છે.