‘આત્મસ્તુતિ વિશે’

0
990

ઘણાં વરસ પહેલાં મેં એક વાક્ય વાંચ્યું હતું કે, આ જગતમાં સૌથી નવાઈની વાત એ છે કે દરેક માણસ પોતાના વિશે ઉમદા અભિપ્રાય ધરાવે છે. આ વિધાન કરનારનું નામ તો આજે હું ભૂલી ગયો છું, પણ જે કોઈનું આ વિધાન હોય, આ વિધાન કરનારને પોતાના વિશે ઘણો ઉમદા અભિપ્રાય હશે એમાં મને શંકા નથી. એમ ન હોત તો આવું ઉમદા વિધાન એણે કર્યું જ ન હોત! પરંતુ દરેક માણસને પોતાના વિશે ઉમદા અભિપ્રાય હોય એમાં આ માણસને નવાઈ કેમ લાગી એની મને નવાઈ લાગે છે. કોઈ પણ માણસને પોતાના વિશે ઉમદા અભિપ્રાય હોય એમાં નવાઈ પામવા જેવું કશું નથી. ઊલટું, પોતાના વિશે ઉમદા અભિપ્રાય ન હોય એવો કોઈ મનુષ્ય આજ સુધીમાં જન્મ્યો નહિ હોય એમ હું ધારું છું.
પોતાના વિશે ઉમદા અભિપ્રાય ધરાવવો એ આ જગતની એક ઉમદા પ્રવૃત્તિ તો છે જ, પણ એક તદ્દન નિર્દોષ પ્રવૃત્તિ પણ છે. હું મારા વિશે ઉમદા અભિપ્રાય ધરાવું એમાં કોઈના પિતાશ્રી પાસેથી કશું છીનવાઈ જતું નથી. હું ગુજરાતી સાહિત્યનો સર્વશ્રેષ્ઠ હાસ્યલેખક છું એમ હું માનું (ખાનગીમાં તો માનું જ છું) તો એનાથી મારું મન પ્રસન્ન રહે ને બીજાને એનાથી કશું નુકસાન ન થાય. ધારો કે બીજાને આનાથી રમૂજ થાય તોય એટલો એને લાભ જ થવાનો ને! થોડા સમય પહેલાં આપણા એક પાર્શ્વગાયકે એક ઇન્ટરવ્યુમાં એમ કહેલું કે, દેશનાં સ્ત્રીગાયકોમાં લતા મંગેશકર સર્વશ્રેષ્ઠ છે ને પુરુષ ગાયકોમાં હું સર્વશ્રેષ્ઠ છું. તેઓ આટલું કહીને અટકી ગયા નહોતા, પણ સ્ત્રીગાયકોમાં લતા મંગેશકર પછી દસ નંબર સુધી કોઈ આવી શકે તેમ નથી અને પુરુષગાયકોમાં મારા પછી દસ નંબર સુધી કોઈ આવી શકે એમ નથી એવું પણ એમણે આત્મવિશ્વાસપૂર્વક કહી નાખેલું. આ વાંચ્યા પછી એક ઇન્ટરવ્યુમાં મેં પણ કહી નાખ્યું કે, જ્યોતીન્દ્ર દવેના સમયમાં તેઓ સર્વશ્રેષ્ઠ હાસ્યલેખક હતા. એમના પછી દસ નંબર સુધી કોઈ આવી શકે એમ નહોતું. હવે જ્યારે જ્યોતીન્દ્ર દવે નથી ત્યારે હું સર્વશ્રેષ્ઠ હાસ્યલેખક છું. મારા પછી દસ નંબર સુધી કોઈ આવી શકે તેમ નથી. અલબત્ત, આ સાંભળી લોકો હસ્યા હતા એ ખરું, પણ મને સંતોષ થયો હતો, અને સાંભળનારાને આનંદ થયો હતો એ કંઈ નાનીસૂની વાત નથી.
મહાપુરુષો તરીકે પ્રસિદ્ધ થયેલા ઘણા માણસો – હું પામર છું. હું તદ્દન સામાન્ય માણસ છું. મોં-સો કૌન કુટિલ ખલ કામી એવું કહેતા હોય છે, પણ મહાન માણસ તરીકે પ્રતિષ્ઠિત થયા પછી જ માણસો આમ કહેતા હોય છે. એ પહેલાં કોઈએ પોતાના વિશે હલકો અભિપ્રાય પ્રગટ કર્યો હોય એવું જાણ્યું નથી. એના કરતાં હું શ્રેષ્ઠ છું. એવું માનનારા ને કહેનારા વધુ પ્રામાણિક અને નિખાલસ હોય છે. ચૂંટાયેલા દરેક ધારાસભ્ય કે સંસદસભ્ય એમ માને કે, પ્રધાન થવા માટે પોતે જ સૌથી લાયક વ્યક્તિ છે; દરેક પ્રધાન એમ માને કે, મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન થવા માટે પોતાનાથી વધુ લાયક વ્યક્તિ પક્ષમાં બીજી એકે નથી; તો એમાં નવાઈ પામવા જેવું કશું નથી.
અમારા એક સ્નેહી કોઈ પણ સભામાં જાય છે તો એમને અચૂક એવી લાગણી થાય છે કે પોતે આ સભાના પ્રમુખ કે અતિથિવિશેષ હોવા જોઈતા હતા! પણ સ્વાર્થી ને ટૂંકી દષ્ટિવાળા આયોજકો ગમે તે અલેલટપ્પુને પ્રમુખ બનાવી દે છે. (એક વાર હું એક સભાનો પ્રમુખ હતો તે વખતે સભાના સ્થળે જ મને એમણે આ વાત કહી હતી!) અમારા બીજા મિત્રો અને સ્નેહીઓ એમની ગેરહાજરીમાં એમની મજાક ઉડાવે છે, પણ મને એમની નિખાલસતા માટે આદર છે. તેઓ પોતાના વિશે ઉમદા અભિપ્રાય ધરાવે છે, એટલું જ નહિ, પ્રગટ પણ કરે છે. પોતાના વિશે ઉમદા અભિપ્રાય તો લગભગ બધાને હોય છે; પણ, આપણામાંથી મોટા ભાગના પોતાના વિશે ઉમદા અભિપ્રાય ધરાવી અટકી જાય છે!
આપણા વિશેનો ઉમદા અભિપ્રાય પ્રગટ કરવા માટે જે હિંમત જોઈએ, જે સાહસ જોઈએ એ બધામાં હોતાં નથી. કવિ બળવંતરાય ઠાકોરે કહ્યું છે તેમ નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન. નિશાન ચૂકી જઈએ એનો વાંધો નથી, પણ નિશાન તાકવાનું તો ઊંચું જ. આ આદર્શને આપણે જીવનમાં ઉતારવો જોઈએ. ભલે આપણને પ્રધાન કે કોઈ બોર્ડ-નિગમના ચેરમેન બનાવવામાં ન આવે, પણ આપણે એને માટે બિલકુલ લાયક છીએ એમ આપણે શા માટે ન માનવું? મને રણજિતરામ ચંદ્રક નથી મળ્યો, દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક નથી મળ્યું. જ્ઞાનપીઠ એવોર્ડ નથી મળ્યો, સરસ્વતી સમ્માન નથી મળ્યું. નોબેલ પારિતોષિક નથી મળ્યું. કદાચ આમાંનું કશું ક્યારેય ન મળે તે તદ્દન સંભવિત છે, પરંતુ આ બધાં માનઅકરામ માટેની મારી લાયકાત વિશે મારા મનમાં લેશમાત્ર શંકા નથી.
પણ આપણી ઉચ્ચ કોટિની લાયકાત વિશે આપણી જાતે જ વાત કરવાનું સહેલું નથી. આ માટે ઘણી હિંમત અને ઘણા સાહસની જરૂર પડે છે. આ માટે એક ઉપાય છે. આપણી પ્રસિદ્ધ નવલકથા ભદ્રંભદ્રનું એક પાત્ર તનમનશંકર કહે છે કે, હું અને પ્રસન્નમનશંકર દુનિયાના સૌથી બુદ્ધિમાન પુરુષો છીએ એમ હું એકલો જ નથી માનતો, પ્રસન્નમનશંકર પણ એમ જ માને છે. તમારા વિશેનો તમારો ઉમદા અભિપ્રાય પ્રગટ કરવામાં સંકોચ થયો હોય તો એકાદ તનમનશંકર શોધી કાઢજો, પણ તમારા પોતાના વિશેનો તમારો અભિપ્રાય હંમેશાં ઊંચો જ રાખજો. તમે પોતે જો તમારા વિશે ઊંચો અભિપ્રાય નહિ રાખો તો બીજાઓ તો ક્યાંથી રાખવાના? કિં બહુના સુજ્ઞેષુ.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક વિનોદના વૈકુંઠમાંથી સાભાર.