આત્મનિર્ભર ભારતઃ પેરામિલિટ્રી ફોર્સે એક હજાર વિદેશી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો

 

નવી દિલ્હીઃ દેશની પેરામિલિટ્રી ફોર્સે આત્મનિર્ભર ભારત તરફ પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં સુરક્ષાદળે એક હજાર વિદેશી ઉત્પાદકોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારની સીએસકી કેન્ટિનમાં પણ આ વિદેશી સામાનોનું વેચાણ થશે નહીં. પછી તે માઇક્રોવેવ હોય કે શૂઝ, કપડા હોય કે ટૂથ પેસ્ટ, ફોર્સે એક હજાર વિદેશી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ નવો નિયમ એક જૂનથી લાગૂ થઈ ગયો છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમિયાન દેશને સંબોધિત કરતા આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યો હતો. દેશવાસીઓને અપીલ કરી હતી કે, તે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે, તેને પ્રોત્સાહન આપે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે પોતાની હેઠળ આવતા વિભાગો અને સશસ્ત્ર દળોમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો હતો. સેના પણ આ પગલા પર છે. આર્મી પ્રમુખે કહ્યું હતું કે, ઘણા વિદેશી ઉત્પાદનોને સેના બહાર કરી રહી છે. 

ફુટવેર, સ્કેચર, રેડ બુલ ડ્રિંક, ઇલેક્ટ્રોનિક ઉત્પાદન, કપડા, ટૂથ પેસ્ટ, હેવેલ્સની પ્રોડક્ટ, હોરલિક્સ, શેમ્પૂ, બેગ સહિત ઘણા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવ્યા છે. હવે તેના સાથે માત્ર સ્વદેશી વસ્તુ ઉપયોગમાં લેવામાં આવશે. જવાનોને પણ અપીલ કરવામાં આવી છે કે તે વિદેશી સામાનનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરે. 

પેરામિલિટ્રી ફોર્સમાં સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી, આસામ રાઇફલ્સના આશરે ૧૦ લાખથી વધુ જવાન છે. તેના પરિવારજનોના સભ્યોને ગણો તો ૫૦ લાખથી વધુ લોકો સેન્ટ્રલ પોલીસ કેન્ટીનથી ખરીદી કરે છે. હવે આ લોકો સ્વદેશી ઉત્પાદકોની ખરીદી કરશે. ગૃહ મંત્રાલયે તેના માટે ત્રણ કેટેગરી બનાવી છે. સૌથી વધુ પ્રાથમિકતા તે વસ્તુને આપવામાં આવશે, જે સંપૂર્ણ પણે ભારતમાં તૈયાર થઈ છે અને ભારતીય કંપની હશે. 

બીજી કેટેગરીમાં તે વસ્તુને સામેલ કરવામાં આવી છે, જેનો કાચો માલ આયાત થાય છે, પરંતુ ઉત્પાદન ભારતમાં થાય છે. આ બંને કેેટેગરીના ઉત્પાદનના વેચાણની મંજૂરી છે. ત્રીજી કેટેગરીમાં સંપૂર્ણ વિદેશી વસ્તુ રાખવામાં આવી છે, જેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.