આતુર બિરહિણી

0
866

(ગતાંકથી ચાલુ)
જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનાવવામાં આવે તો ‘પ્રેમ’ શબ્દને મોખરે મૂકવો પડે. પદાર્થ વિજ્ઞાનમાં બે પ્રકારનાં બળની વાત ભણાવવામાં આવે છે. એક છે કેન્દ્રગામી (સેન્ટ્રિપેટલ) બળ, જે જોડનારું પરિબળ છે. બીજું છે કેન્દ્રત્યાગી (સેન્ટ્રિ-ફ્યુગલ) બળ, જે વિખૂ​ટું પાડનારું પરિબળ છે. પ્રેમ, કરુણા, ક્ષમા, અહિંસા અને પરોપકાર સાથે જોડાયેલાં કર્મો માનવોને જોડનારાં પરિબળો ગણાય. ઈર્ષ્યા, દ્વેષ, વેરભાવ, ક્રોધ અને હિંસા સાથે જોડાયેલાં કર્મો માનવોને વિખૂટાં પાડનારાં પરિબળો ગણાય. જો કેન્દ્રગામી પરિબળો કરતાં કેન્દ્રત્યાગી પરિબળોની તાકાત વધી જાય તો માનવજાતનો વિનાશ રોકડો બને. સાચા ધર્મનું કર્તવ્ય માનવતાના વિનાશને રોકવાનું છે. જે જોડે તે ધર્મ અને જે તોડે તે અધર્મ.
આપણને વીજશક્તિ પર પૂરી શ્રદ્ધા છે. વીજશક્તિને કારણે ભરઉનાળે આપણને એસી દ્વારા ઠંડક પ્રાપ્ત થાય છે. વીજશક્તિને કારણે જ શિયાળાની કડકડતી ટાઢમાં આપણને હીટર તરફથી હૂંફ પ્રાપ્ત થાય છે. વીજળી પ્રકાશ આપે છે. વીજળી ગતિ આપે છે. પ્રસૂતિગૃહના પારણાથી તે સ્મશાનગૃહની ચિતા સુધી વીજળી માનવીને સાથ આપે છે. વીજશક્તિના ઉપકારો અનંત છે. એ જ રીતે થર્મલશક્તિ, પવનશક્તિ, જળવિદ્યુતશક્તિ અને અણુઊર્જાના ઉપકારો પણ ઓછા નથી. આ બધી શક્તિને પણ હરાવી શકે એવી ‘પ્રેમશક્તિ’ આપણા ખ્યાલમાં ઝટ નથી આવતી. પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે, એ વાત સમજવામાં આયખું ટૂંકું પડે છે. ગુરદાસ જેવા કોઈ ભક્તને પ્રેમશક્તિનો પરચો પ્રાપ્ત થાય ત્યારે એક ઉદ્ગાર નીકળી પડેઃ ‘સબ સે ઊંચી પ્રેમસગાઈ!’
માણસ જન્મે તે ક્ષણે જ એને માતા તરફથી પ્રેમશક્તિ પ્રાપ્ત થાય છે. તમે અત્યારે આ લખાણ વાંચી રહ્યા છો તેનો જશ પ્રકાશને ફાળે જાય છે. વાત સાચી છે. પ્રકાશ ન હોય તો અંધારામાં તમે કશુંય વાંચી ન શકો, પરંતુ જો માતા તરફથી મળેલી પ્રેમશક્તિ ન હોય તો! તો મોટા થવાનું કે વાંચતાં થવાનું જ દૂર રહી ગયું હોત. મોટી ઉંમરે પણ મનુષ્ય પ્રેમશક્તિ વિના જીવી ન શકે. એની ઝંખના પ્રિયજનને પામવાની રહે છે. ગમે તેવી મોટી આપત્તિ આવી પડે ત્યારે પણ જો પ્રિયજન પડખે હોય તો માણસ ટકી જાય છે. કોઈ ભાઈ કે બહેન કે મિત્ર કે પાડોશી મદદે આવે તો માણસ ઝટ હારતો નથી. ‘તું એકલો નથી, અમે સૌ તારી પડખે છીએ.’ બસ, આટલા શબ્દોને કારણે માણસ ક્યારેક તરી જાય છે. ખરાબ સમય વીતી જાય છે અને ફરીથી સારા દિવસો આવે છે.
પાંડવોને વનવાસ પ્રાપ્ત થયો, પરંતુ ત્યાંય એમને વાંધો ન આવ્યો. સરસ્વતી નદીને કિનારે મરુધન્વા દેશની નજીક આવેલા દ્વૈતવનમાં પણ કૃષ્ણ પાંડવોને મળવા વારંવાર જતા હતા તેથી પાંડવો ઝાઝા દુઃખી નહોતા. (વિખ્યાત મીમાંસક જૈમિની દ્વૈતવનમાં જન્મેલા એમ કહેવાય છે.) રામ-સીતા-લક્ષ્મણ પંચવટીમાં પર્ણકુટિ બાંધીને રહ્યાં ત્યારે એમને દશરથના મિત્ર ગૃધ્રરાજ જટાયુની હૂંફ મળેલી. સીતાનું અપહરણ થયું ત્યારે જટાયુએ રાવણને પડકાર્યો અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. રામે એ જટાયુનો અગ્નિસંસ્કાર કર્યો ત્યારે એમની આંખમાં આંસુ હતાં. જગત આવી પ્રેમશક્તિના આધારે ટકી રહ્યું છે. પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહિ હોઈ શકે. પ્રેમ વિનાનું જીવન એટલે મરુભૂમિ. પ્રેમથી છલોછલ જીવન એ જ સ્વર્ગ અને પ્રેમશૂન્ય આયખું એ જ નરક. સ્વર્ગ અને નરક કંઈ પૃથ્વીથી અલગ એવાં સ્થળો નથી. પ્રેમશૂન્યતા નરકનું બીજું નામ છે. પ્રેમશૂન્યતા છે તો આતંકવાદ છે. મારું ચાલે તો બધા જ આતંકવાદીઓની માતાઓનું એક સંમેલન ગોઠવું. યુદ્ધ સામે ટકી શકે એવી ઊર્જા માતૃત્વમાં પડેલી છે. જગતની આદ્યશક્તિ તરીકે માતૃભાવે દુર્ગાની પૂજા થાય છે તેનું આ રહસ્ય છે. કવિ ન્હાનાલાલે તેથી કહ્યું, ‘પરમ પ્રેમ પરબ્રહ્મ!’ માતા પછીના ક્રમે પ્રિયતમા આવે છે. યશોદાનંદન કૃષ્ણને રાધાકાંત, રાધારમણ, રાધાવર અને રાધાવલ્લભ પણ કહ્યા છે. પ્રિયતમની તીવ્ર પ્રતીક્ષા કરનારી સ્ત્રીને માટે ભક્ત દાદૂ ‘આતુર બિરહિણી’ શબ્દો પ્રયોજે છે. દાદૂ કહે છેઃ
અજહુઁ ન નિકસૈ પ્રાણ કઠોર!
દરસન બિના બહુત દિન બીતે,
સુન્દર પ્રીતમ મોર!
ચારિ પ્રહર ચારૌં જુગ બીતે,
રૈનિ ગઁવાઈ ભોર!
વિશ્વની પ્રત્યેક સ્ત્રીમાં રાધાતત્ત્વ પડેલું છે. પ્રત્યેક પુરુષ કૃષ્ણતત્ત્વનો પ્રતિનિધિ છે. ચીનની ફિલસૂફીમાં આવાં બે તત્ત્વોને યિન અને યાંગ તરીકે પ્રમાણવામાં આવ્યાં છે. આ બે તત્ત્વો વચ્ચેનું અસંતુલન દુનિયાને યુદ્ધ સુધી તાણી જાય છે. ગોકુળ એક એવું વિશ્વગ્રામ છે, જ્યાં આ બે તત્ત્વો વચ્ચે પૂર્ણ સંતુલન સહજ હોય છે. ગોકુળમાં રાસલીલા હોય, બળાત્કાર ન હોય, ગોકુળમાં ઝઘડો પણ મધુર હોવાનો. ગોકુળની માખણચોરી પણ પ્રેમાળ હોવાની. સમગ્ર વિશ્વ રાધાકૃષ્ણનું વિરાટ વૃંદાવન છે. વિશ્વ જો વૃંદાવન ન બને, તો કુરુક્ષેત્ર બની જાય. પસંદગી આપણે કરવાની છે. શ્રાવણી ઝરમરિયાં અને ઘેર ઘેર ગોકુળિયાં!
દુનિયા જ્યાં સુધી કૃષ્ણ ભણી ન વળે ત્યાં સુધી વિશ્વશાંતિ કેવળ સમણું બની રહેશે. કૃષ્ણ કોઈથી ન છેતરાય, પરંતુ આપણે એમને પણ ન છોડ્યા! એમણે ભગવદ્ગીતાના બીજા અધ્યાયમાં જ્ઞાનયોગ સમજાવ્યો, પરંતુ આપણે અજ્ઞાનને છાતીએ વળગાડીને વહેમના વમળમાં ફસાયા. કૃષ્ણે ગીતાના ત્રીજા અધ્યાયમાં કર્મયોગનો મર્મ પ્રગટ કર્યો, પરંતુ આપણે કામચોરીયોગને ઓફિસોમાં અને ફેક્ટરીઓમાં પ્રતિષ્ઠિત કર્યો. કૃષ્ણે ગીતાના બારમા અધ્યાયમાં ભક્તિયોગનો મહિમા સમજાવ્યો, પરંતુ આપણે અંધશ્રદ્ધાયોગની જમાવટ કરીને વ્યક્તિપૂજા દ્વારા ભલભલા સાધુજનોને બગાડ્યા. કૃષ્ણે ગીતાના અઢારમા અધ્યાયમાં સાચા સંન્યાસનું સૌંદર્ય પ્રગટ કર્યું, પરંતુ આપણે સંન્યાસીઓને કૌભાંડયોગ તરફ ધકેલ્યા. ધર્મને અધર્મમાં ફેરવી નાખવાની આપણી ક્ષમતા આગળ યોગેશ્વર કૃષ્ણ પણ લાચાર!
ગોકુળઅષ્ટમીને આપણે જુગારઅષ્ટમી બનાવી દીધી. ગણપતિચોથને આપણે ઘોંઘાટચોથ બનાવી દીધી. કૃષ્ણે સહજ આનંદ અને પ્રેમનો મહિમા કર્યો, પરંતુ આપણે આનંદવિરોધી અને પ્રેમવિરોધી સમાજ રચી બેઠા. કૃષ્ણે ગાયની સેવા કેમ થાય તેનો દાખલો બેસાડ્યો અને આપણે ગાયને રસ્તે રખડતી મેલીને એને પ્લાસ્ટિકનાં ઝભલાં ચાવતી કરી દીધી. કૃષ્ણે વાંસળીના સૂર વહેતા મેલીને વૃંદાવનમાં મધુરતા રેલાવી અને આપણે વરઘોડામાં બેન્ડવાજાં વગડાવીને કૂતરાં ભસે એવા ઘોંઘાટ સાથે ટ્રાફિક અટકાવ્યો. આપણે બાલકૃષ્ણને પારણામાં ઝુલાવ્યા, પરંતુ ક્રૂરતાપૂર્વક બાલમજૂરીની પ્રથા ચાલુ રાખી. બૂટપોલિશ કરવા માટે યાચના કરનારા કે ભીખ માગનારા નાનડિયામાં આપણને ‘નટવર નાનડો’ ન દેખાયો અને લાલો પણ ન દેખાયો. રાધાનું નામ લેતી વખતે હવેલીઓમાં ભક્તોની આંખ ભીની થઈ, પરંતુ દહેજના દોજખમાં અગ્નિસ્નાન કરનારી કોઈ કોડભરી કન્યામાં આપણને રાધા ન દેખાઈ. વૈષ્ણવ હોવા બદલ ગૌરવ લેનારા અને બાવાશ્રીને નમન કરનારા કૃષ્ણભક્તોને ‘વૈષ્ણવજન’ બનવાની આકાંક્ષા ન થઈ. નરસિંહ મહેતાનું એ ભજન હવેલીઓમાં કદી ન સંભળાયું!

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે.