આતંકવાદ પર આધારિત વધુ એક ફિલ્મ ‘ઓર્મેટા’


ફિલ્મ ‘અલીગઢ’ ફેમ દિગ્દર્શક હંસલ મહેતાની ગયા સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓર્મેટા’માં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ન્યુટન’માં રાજકુમાર રાવનો અભિનય બહુ જ વખણાયો હતો. એવું કહેવાય છે કે રાજકુમાર રાવ અને હંસલ મહેતાની આ ફિલ્મની કહાની અહમદ ઉમર સઈદ શેખ પર આધારિત છે, જે પાકિસ્તાન સાથે સંબંધ રાખે છે, પરંતુ તેની પાસે બ્રિટિશ નાગરિકત્વ છે. અહમદ ઉમર સઈદ શેખે કઈ રીતે પોતાનું ભણતર અને કેવી રીતે તેનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.
ફિલ્મની વાર્તાની વાત કરીએ તો પાકિસ્તાની મૂળનો બ્રિટિશ આતંકવાદીની અસલી જિંદગી પર આધારિત છે જે ભારતમાં વિદેશી નાગરિકોનાં અપહરણ માટે જવાબદાર છે. શેખે સન 2002માં અમેરિકી પત્રકાર ડેનિયલનું અપહરણ કરાવ્યું હતું અને ત્યાર પછી તેની હત્યા પણ કરાવી હતી. આ જ વર્ષે અદાલતે શેખને મોતની સજા ફટકારી હતી, પણ 16 વર્ષ પછી પણ તેની ફાંસી નથી આપી શકાઈ અને આજે પણ તે જીવિત છે.
પાકિસ્તાની મૂળનો શેખનો જન્મ લંડનમાં થયો હતો. તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એડમિશન લીધું હતું, પણ ભણવાનું અડધથી છોડીને તેણે આતંકવાદનો માર્ગ પસંદ કર્યો હતો. 1999માં જ્યારે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટને હાઇજેક કરીને જે ત્રણ આતંકવાદીઓને છોડવાની માગણી કરી હતી તેમાં શેખ પણ એક હતો. ત્યાર પછી અમેરિકામાં 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વિમાનોના જે હુમલા થયા હતા તેમાં શેખનું નામ સામે આવ્યું હતું.
ફિલ્મ ‘ઓર્મેટા’માં રાજકુમાર રાવ આતંકવાદીની ભૂમિકામાં નજરે પડે છે, જોકે ફિલ્મના નામ અને ફિલ્મની વાર્તાનો મેળ ખાતો નથી. આ ફિલ્મને વિવેચકો દ્વારા પાંચમાંથી 2.5 સ્ટાર મળ્યા છે. રાજકુમાર રાવના ચાહકોને આ ફિલ્મ ગમશે.