આતંકવાદને પ્રોત્સાહન મુદ્દે ભારતે પાકિસ્તાનને યુએનમાં ભીંસમાં લીધું

 

યુએન: આતંકવાદને પ્રોત્સાહન આપવાના મુદ્દે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને સંયુકત રાષ્ટ્રમાં ભીંસમાં લીધું છે. ભારતીય રાજદૂતે કહ્યું કે દુનિયા જાણે છે કે ૨૦૦૮માં મુંબઇ હૂમલા, ૨૦૧૬ના પઠાણકોટ હૂમલા અને ૨૦૧૯ના પુલવામા આતંકી હૂમલાના ગુનેગારો કયાંથી આવ્યા હતા?

આ સાથ ભારતે પણ ખેદ વ્યકત કર્યો અને કહ્યુ કે આ હુમલાના ગુનેગારોને પાકિસ્તાનનું સમર્થન અને આતિથ્ય છે. યુએનમાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર રાજેશ પરિહારે યુએનની આતંકવાદ વિરોધી સમિતિની બેઠકમાં આ વાત કહી હતી.

વધુમાં તેમણે કહ્યું કે આજથી બરાબર ત્રણ વર્ષ પહેલા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા ભયાનક આતંકવાદી હૂમલામાં ૪૦ ભારતીય સુરક્ષા જવાનો શહીદ થયા હતા. આ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ મોહમ્મદે કર્યો હતો. ભારતીય કોન્સ્યુલરે કહ્યુ કે દુનિયાએ ૨૦૦૮ના મુંબઇ આતંકી હૂમલાની ભયાનકતા જોઇ છે. આપણે બધા જાણીએ છીએ કે આ હૂમલાના કાવતરાખોરો કયાંથી આવ્યા હતા? પરિહારે ભારત વતી ખુલ્લેઆમ આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ખેદજનક છે કે આ ઘાતકી હૂમલાના પીડિતોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. પાકિસ્તાનના પરોક્ષ સંદર્ભમાં પરિહારે કહ્યું કે આ હૂમલાના ગુનેગારો, સહાયક અને ફાઇનાન્સર્સ હજુ પણ એક દેશનું સમર્થન અને આતિથ્ય ભોગવે છે. આ આતંકવાદીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરે છે. ભારતીય રાજદૂતે વધુમાં કહ્યું કે આતંકવાદનું આ કેન્દ્ર આતંકવાદી સંગઠનોને પોષે છે અને તે ૧૫૦થી વધુ ખતરનાક આતંકવાદી સંગઠનો, આગેવાનોનું આશ્રયસ્થાન છે. આ સાથે પરિહારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને માર્યા ગયેલા અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને પણ શહીદ ગણાવ્યો હતો. પરિહારે ભારપૂર્વક જણાવ્યું કે ભારત તેની ધરતી પર આ આતંકવાદી હૂમલાના ગુનેગારોને ન્યાયના ઠેકાણે લાવવા માટે સપૂર્ણ પ્રતિબદ્ઘ છે. આ આતંકવાદી દેશમાં સ્થિત આતંકવાદના કેન્દ્ર સામે આંતરરાષ્ટ્રીય સમુદાય અસરકારક, વિશ્ર્વસનીય, ચકાસી શકાય તેવા પગલાં લે તે સમય છે. પાકિસ્તાની વિસ્તાર અને તેના નિયંત્રણ હેઠળ કાર્યરત આતંકવાદી સંગઠનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ.