આતંકવાદના જનક પાક.ને જોરદાર ઝટકો

 

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજ સ્થાપિત થયા બાદ ભારતની ભૂમિકા નબળી પડયાની ચર્ચા ઉઠી હતી પરંતુ તાજેતરમાં ૧૦ નવેમ્બર દિલ્હી ખાતે એનએસએ સ્તરની સમિત યોજાયા બાદ સમીકરણો બદલાયા છે. અફઘાનિસ્તાન મામલે ઈરાન ભારત તરફ ઢળી રહ્યું હોવાથી પાકિસ્તાનને જોરદાર ઝટકો લાગ્યો છે.

ભારતની મેજબાનીમાં યોજાયેલી સમિતમાં રશિયા, ઈરાન સહિત ૮ દેશને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એ બાબત પર સહમતી સધાઈ હતી કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકી ગતિવિધિઓ માટે થવો ન જોઈએ. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે અફઘાનિસ્તાન મામલે ઈરાન ભારતનો સ્વાભાવિક સહયોગી બની રહ્યું છે. જેનું એક કારણ પાકિસ્તાન સાથે તેના સંબંધો સારા નથી. ઈરાન નથી ઈચ્છતું કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા મજબૂત બને. ઉપરાંત અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટનો વધી રહેલો ખતરો ચિંતાજનક છે. ભારત ઉપરાંત ઈરાન પણ ઈસ્લામિક સ્ટેટને ચિંતાજનક માને છે. સુન્ની કટ્ટરપંથી વિચારધારાવાળું આ આતંકી સંગઠન શિયા બહુમત દેશ ઈરાનને પણ ભારતની જેમ જ દુશ્મન માને છે. ઈસ્લામિક દેશ તરીકે પાકિસ્તાન અને ઈરાન સાથે હોવાનું માનવામાં આવે છે પરંતુ હકીકત જુદી છે.